સુરત(Surat): શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. પોલીસનો કોઈ ધાક હોય તેવું લાગતું નથી. દિનદહાડે શહેરમાં કરોડો રૂપિયાની લૂંટ થાય છે, તો બીજી તરફ ટપોરીઓએ દુકાનોમાં ઘુસી દુકાનદારો પર ચપ્પુ જેવા ઘાતક હથિયારોથી હુમલો કરે છે. આવી જ એક ઘટના સુરતના ભેસ્તાન વિસ્તારમાં બની છે. અહીં ચાની દુકાનમાં ઘુસી ટપોરીઓએ દુકાનદાર પર ચપ્પુથી હુમલો કર્યાની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
- ભેસ્તાનમાં ચાની દુકાનમાં ટપોરીઓનો હુમલો
- કાઠિયાવાડી ચાની દુકાનના માલિકને ચપ્પુ માર્યું
- જૂની અદાવતમાં હુમલો કરાયો, ઘટના સીસીટીવીમાં કેદ
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ભેસ્તાન વિસ્તારમાં કાઠિયાવાડ ચાની દુકાન આવેલી છે. ગઈ તા. 25મી ફેબ્રુઆરીની રાત્રિએ અહીં મારામારી થઈ હતી. જૂની અદાવતમાં દુકાનદાર પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. મારામારીની ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ હતી. હાલ ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વધુમાં મળતી માહિતી અનુસાર ભેસ્તાનમાં રહેતા સદ્દામ હુસૈન અકબર હુસેન પઠાણ ઉન વિસ્તારમાં કાઠિયાવાડી ચાની રેસ્ટોરન્ટ ચલાવે છે. ગઈ તા. 25મી ફેબ્રુઆરીના રોજ રાત્રિના 8 વાગ્યાના અરસામાં પોતાની રેસ્ટોરન્ટ ઉપર બેઠાં હતાં ત્યારે મંસુર, સલમાન મંજૂર, ઈમરાન ઉર્ફે બાલી જીકર તથા મોઈનુદ્દીન ઉર્ફે પૈતિસના અચાનક લોખંડના સળિયા લઈને અંદર ધસી આવ્યા હતાં.
જૂના ઝઘડાની અદાવત રાખી તેઓએ દુકાનમાં તોડફોડ શરૂ કરી હતી અને દુકાનદાર સદ્દામ હુસૈન પર હુમલો કરી દીધો હતો. તેઓ ઉપરા-છાપરી માર મારવા લાગ્યા હતાં. દરમિયાન મોઈનુદ્દીન ઉર્ફે પૈતિસનાએ તેના કમરના ભાગેથી ચપ્પુ કાઢી સદ્દામ હુસૈનના જમણી બાજુ પેટના ભાગે તથા ડાબા હાથના કોણીથી નીચેના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.
સલમાન મંજૂરએ તેના હાથમાં રહેલા લોખંડના સળિયા વડે જમણા હાથના અંગુઠા તથા કાંડાના ભાગે મારતા ફ્રેક્ચરની ઈજા કરી તેમજ મંસૂર તથા ઈમરાન ઉર્ફે બાલી જીકરનાએ તેમની પાસે રહેલા લોખંડના સળિયા વડે માર મારી ઈજા કરી હતી. જેથી ચારેક ઈસમોએ શરીરે ઈજા પહોંચાડી હતી.
આજ તેરા નસીબ અચ્છા હૈ ઈસલીયે તુ બચ ગયા દૂસરી બાર હમારે હાથ સે બચ નહી પાયેગા તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજના આધારે ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી છે.