દેશના શહીદ જવાનોને સ્પર્શતી એક ઘટના બની. ગત 26મી જાન્યુ. 2026 ના રોજ નરેન્દ્રભાઈ મોદીના એક રાષ્ટ્રિય કાર્યક્રમમાં સુરતના એક સિક્યુરિટિ ગાર્ડ જીતેન્દ્રસિંહ રાઠોડનું સન્માન કરવામાં આવ્યું ત્યારે દેશનાં અખબારોએ અને સોશ્યલ મીડિયાએ તેની સુખદ નોંધ લીધી. આ સિક્યુરિટી ગાર્ડની એવી શું વિશેષતા રહી હતી કે આટલા મોટા વિશેષ સન્માનનો હક્કદાર બન્યો? આ જીતેન્દ્રસિંહ છેલ્લાં 26 વર્ષથી શહીદ જવાનોની તસ્વીર અને તેમના વિશેના લેખ સંગ્રહ કરવાનો શોખ કેળવેલો. સુરતની SVNITમાં વૉચમેનની નોકરી કરતા આ માણસે તેની મર્યાદિત આવકમાંથી પણ પોસ્ટકાર્ડ ખરીદી શહીદ જવાનોના ઘરે દીકરાના સ્વરૂપે લખતો અને આશ્વાસનરૂપી ફરજ બજાવતો.
પહેલા વિશ્વયુધ્ધથી લઈને કારગીલ યુધ્ધ અને ઓપરેશન સિંદૂર સુધીના યુધ્ધની માહિતીઓનું અલભ્ય કલેકશન પણ કરતો રહ્યો. આવી 2 લાખ જેટલા શહીદ જવાનોની માહિતી, 24 હજાર કરતાં વધુ તસ્વીરો અને શહીદોના પરિવારને લખેલા પત્રોની 250 કરતાં વધુ કોપી તેમના સંગ્રહમાં જોવા મળે છે. શહીદોના 15 હજારથી વધુ પરિવારોનો ટેલિફોનિક સંપર્ક પણ ધરાવે છે. દેશભક્તિની મિશાલ જેવા રાજસ્થાન ભરતપુરના પણ સુરત સ્થિત આ જીતેન્દ્રસિંહની માહિતી મોદી સાહેબે ગત 31 ઓગસ્ટની મનકી બાતોમાં જણાવી હતી અને અંતે કોઈ લગ્નપ્રસંગે વિશેષ વોચમેનની ફરજ દરમ્યાન PMO ઓફિસમાંથી ફોન આવ્યો કે 26 જાન્યુ 2026ના રોજ દિલ્હીમાં તમારું સન્માન થશે તો આવવાનું છે.
એકાઉન્ટમાં માત્ર 102 રૂપિયાની મૂડી હોવાનું જણાવી દિલ્હી જવા સમર્થતા દર્શાવી તો સામેથી જવાબ આવ્યો કે તમારી આવવા જવાની સગવડ વિમાન દ્વારા કરવામાં આવી છે અને સાયક્લ પર ફરતા આ વૉચમેન પહેલી વાર વિમાનમાં ઊડયો. સુરતના તો અનેક મહાનુભાવો રાષ્ટ્ર કક્ષાએ સમ્માનને પામ્યા હશે પણ એક સિક્યુરિટિ ગાર્ડને જ્યારે આટલું મોટું સન્માન મળ્યું ત્યારે મોદીસાહેબની સમાન સન્માનની ભાવનાને પણ સલામ કરીએ.
ડિંડોલી સુરત- માધુરી ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.