National

મીડિયાનો એક વર્ગ સમાચારોને કોમી રંગ આપે છે અને છેવટે દેશની બદનામી થાય છે: સુપ્રીમ કોર્ટ

મીડિયાનો એક વર્ગ સમાચારોને કોમી રંગ આપે છે જે દેશની બદનામી નોંતરે છે એમ કહેતા સર્વોચ્ચ અદાલતે આજે વેબ પોર્ટલો અને યુ-ટ્યુબ સહિત સોશ્યલ મીડિયા પર ફેલાવાતા બનાવટી સમાચારો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ચીફ જસ્ટિસ એન.વી. રમણની અધ્યક્ષતા હેઠળની બેન્ચનું આ મજબૂત નિરીક્ષણ એ સમયે આવ્યું હતું જ્યારે તે જમિયતે ઉલમા-એ-હિન્દની એક અરજી સહિતની તેવી અનેક અરજીઓની સુનાવણી કરી રહી હતી જે અરજીઓમાં માગણી કરવામાં આવી હતી કે ગયા વર્ષે દિલ્હી મરકઝ ખાતે થયેલા ધાર્મિક સંમેલન બાબતે ફેલાવવામાં આવતા બનાવટી સમાચારો રોકવા કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવે અને આવા સમાચારો ફેલાવવા માટે જવાબદાર લોકો સામે કડક પગલા લેવામાં આવે. સમસ્યા એ છે કે આ દેશમાં દરેક બાબત મીડિયાના એક વર્ગ દ્વારા કોમી એંગલથી જોવામાં આવે છે.

છેવટે તો દેશને બદનામી મળે છે એમ કહેતા બેન્ચે પૂછ્યું હતું કે તમે (કેન્દ્ર સરકારે) આ ખાનગી ચેનલોને નિયંત્રિત કરવા ક્યારેય પ્રયાસ કર્યો છે? બેન્ચ નવા માહિતી ટેકનોલોજી નિયમોની વૈદ્યતા વિરુદ્ધમાં હાઇકોર્ટોમાં પેન્ડિંગ પડેલી અરજીઓની સર્વોચ્ચ અદાલતમાં તબદીલી માગતી કેન્દ્રની અરજીની સુનાવણી છ સપ્તાહ પછી કરવા સહમત થઇ હતી.

બેન્ચે કહ્યું હતું કે સોશ્યલ મીડિયાની ચેનલો ફક્ત શક્તિશાળી લોકોની ચિંતા કરે છે અને નહીં કે જજો, સંસ્થાઓ અને સામાન્ય લોકોની. આ અમારો અનુભવ છે. વધુમાં તેણે કહ્યું હતું કે આવા ફેક ન્યૂઝ અને ગાળાગાળી ચલાવતી વેબ પોર્ટલો અને યુ-ટ્યુબ ચેનલો પર કોઇનો કાબૂ નથી. તમે જોઇ શકશો કે કોઇ યુ-ટ્યુબ પર બનાવટી સમાચારો મુક્તપણે ચાલે છે અને કોઇ પણ વ્યક્તિ યુ-ટ્યુબ પર ચેનલ શરૂ કરી શકે છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ફક્ત કોમી રંગ નહીં પણ પ્લાન્ટેડ ન્યૂઝ પણ ત્યાં હોય છે અને વેબ પોર્ટલો સહિત ઓનલાઇન કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે આઇટી નિયમો ઘડવામાં આવ્યા છે.

Most Popular

To Top