સુરત: સ્માર્ટ સિટી સુરત શહેર કે જ્યાં રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા રહે છે ત્યાં જ સુરત મનપા સંચાલિત શાળાઓની હાલત કફોડી છે. અહીં એક અજાયબી શાળા છે. આ શાળાની વિચિત્ર કડવી હકીકત એવી છે કે આ શાળામાં એક પણ કાયમી શિક્ષક નથી. ઝીરો શિક્ષકથી આ શાળા ચાલી રહી છે. એટલું જ નહીં ધો. 1થી 5ની આ શાળાનું આખું મકાન માત્ર એક ઓરડાનું જ છે. જ્યાં થોડા સમય પહેલાં રંગરોગાન કરાવાયો છે.
- શિક્ષણમંત્રીના વિસ્તારની શાળાના બેહાલ, એક પણ કાયમી શિક્ષક વિના ચાલી રહી છે શાળા
- સ્માર્ટ સિટી સુરતમાં એક રૂમની શાળા, 1થી 5 ધોરણના બાળકો એક જ ઓરડામાં ભણે
- આપના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ રાજ્ય સરકારની સૂફિયાણા દાવાઓની પોલ ખુલ્લી પાડી
આપના પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ગુજરાત સરકારની શિક્ષણ માટેના ઉત્થાનના સૂફિયાણા દાવાઓની પોલ ખુલ્લી પાડી છે. આ વીડિયોમાં રાકેશ હીરપરા કહે છે કે, સુરત મનપાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિદ્યાર્થી દીઠ 40,000 ખર્ચ કરતી હોવાનો દાવો કરે છે, પરંતુ ખડસદ નગર પ્રાથમિખ સ્કૂલની સ્થિતિ જોતાં ખર્ચ ખરેખર થઈ રહ્યો હોવાનું લાગતું નથી.
કારણ કે આ શાળામાં એક કામચલાઉ અને બીજા પ્રવાસી શિક્ષક છે. 20 કિલોમીટર દૂરની શાળાના શિક્ષક અહીં પ્રવાસી આચાર્યની ફરજ બજાવે છે, જ્યારે બીજા શિક્ષક પણ સમય મળે ત્યારે આવે છે. તેથી આ શાળા ઝીરો કાયમી શિક્ષકથી ચાલે છે.
હીરપરા કહે છે કે આ અજાયબી છે. જ્યાં એકેય શિક્ષક નથી. એક જ ઓરડામાં શાળા ચાલે છે. મતલબ કે ધો. 1થી 5ના વિદ્યાર્થીઓ એક જ ઓરડામાં બેસે. ભણે તો ક્યાંથી? શિક્ષક જ નથી. હીરપરા કહે છે કે શિક્ષણમંત્રી આખાય રાજ્યમાં પ્રવાસ કરે છે પરંતુ તેમના જ વિસ્તારની શાળાના ઠેકાણા નથી. શિક્ષણમંત્રીએ કમસે કમ પોતાના વિસ્તારની શાળાનું ભલું કરવું જોઈએ.