પલસાણા: પલસાણામાં નેશનલ હાઈવે પર એક ઓટો રિક્ષા ઊભેલી ટ્રક સાથે અથડાતા રિક્ષામાં બેસેલા 3 મિત્રો પૈકી એકને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેર અમરોલી ખાતે રહેતા રાકેશભાઈ નગીનભાઈ પટેલ (ઉં.વ. 42 ) અલ્લારખા વીરાભાઇ જેઠવા સાથે જીતેન્દ્રભાઈ દિનેશભાઈ વાઘેલાની ઓટોરિક્ષા નંબર (જીજે 05 સી ટી 3709) લઈ દમણ ખાતે ફરવા ગયા હતા, જયાંથી બુધવારે રાત્રે પરત આવવા માટે નીકળેલા હતા તે સમય દરમિયાન ઓટો રિક્ષા ચાલક જીતેન્દ્ર વાઘેલાએ પૂરઝડપે અને ગફલત રીતે રિક્ષા હંકારી લાવતો હતો.
તે દરમિયાન પલસાણા ગામની સીમમાં આવેલી દુર્ગા કોલોની પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે રિક્ષા ઉપર કાબુ ન રહેતા રોડની સાઈડમાં ઉભેલી ટ્રકની સાથે રિક્ષા અથડાઈ હતી અને રિક્ષાની ઉપરના ભાગે આવેલી સળીયો માથાના ભાગે અલારખા વીરાભાઇ જેઠવાને ગંભીર ઈજા થતા તેઓનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અંગે રાકેશે ઓટો ચાલક જીતેન્દ્ર વિરુદ્ધ પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
વ્યારા ટાઉનમાં ટ્રકની અડફેટે આવેલ યુવતીનું સારવાર બાદ મોત નિપજ્યું
વ્યારા: વ્યારા સમર્થ હોસ્પિટલ સામે ટ્રકની અડફેટમાં આવેલી મોપેડ સવાર યુવતીનું સુરતની નવી સિવીલ હોસ્પીટલ ખાતે લાંબી સારવાર દરમિયાન મોત નિપજ્યુ હોવાથી અકસ્માત કરી ભાગી છુટેલા અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે.
વ્યારા- સોનગઢ ધોરી માર્ગ ઉપર સમર્થ હોસ્પિટલ સામે તા.19/4/2023નાં રોજ સેજલબેન ગામીત (ઉં.વ.27 રહે.ગામઠાણ ફળિયુ, તા.વ્યારા, જિ.તાપી)પોતાની માસીની દીકરી શિલ્પાબેન સાથે મોપેડ નં (જીજે 26 એસી 0318) પર નાની ચિખલીથી મુસા ગામે સદભાવના હોસ્પિટલ ખાતે જતી હતી, ત્યારે બપોરે 1 વાગ્યાનાં અરસામાં સમર્થ હોસ્પિટલ સામે વ્યારા ખાતે આવતા ટ્રક (યુપી 21 સીટી 3095)માં પિતરાઇ બહેન શીલ્પાબેન D/O જેસંગભાઇ રંગજીભાઇ ગામીતને કમરથી પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
શિલ્પા ગામીતને શરુઆતમાં એમ્બ્યુલન્સ 108માં વ્યારા રેફરલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલત ગંભીર હોય તેઓને સુરત સિવિલ રીફર કરવામાં આવી હતી. ત્યાં લાંબી સારવાર બાદ તેનું મોત નિપજ્યુ હોય વ્યારા પોલીસે આ મામલે તા.4/5/2023નાં રોજ અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુંમાં તપાસ હાથ ધરી છે.