નડિયાદ: મહુધામાં રહેતી એક પરિણીતા રાત્રીના સમયે કચરો નાંખવા માટે ફળીયામાંથી પસાર થઈ રહી હતી, તે વખતે ફળીયામાં જ રહેતાં એક ઈસમે તે પરિણીતાનો હાથ પકડવાનો પ્રયાસ કરતાં તકરાર થઈ હતી. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં બંને પરિવારો વચ્ચે ધીંગાણું થયું હતું. મહુધાના ફિણાવ ભાગોળ વિસ્તારમાં રહેતાં ઉમેશભાઈ ભરતભાઈ સોલંકીની પત્નિ નિશાબેન ગત શનિવારના રોજ રાત્રીના અરસામાં બહાર કચરો નાંખવા માટે નીકળ્યાં હતાં.
તે વખતે તેમના ફળીયામાં જ રહેતાં કૌશિકે નિશાબેનનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો હતો. જેથી નિશાબેને બુમાબુમ કરી મુકી હતી. બુમો સાંભળી નિશાબેનના પતિ ઉમેશભાઈ અને તેમના દિયર પ્રિતેશભાઈ ઘરમાંથી બહાર આવી ગયાં હતાં અને હકીકત જાણ્યાં બાદ તેઓએ કૌશિકભાઈને ઠપકો આપ્યો હતો. તે વખતે કૌશિકભાઈનું ઉપરાંણુ લઈ કિરણભાઈ અને નિતીનભાઈ ત્યાં આવી ચડ્યાં હતાં ઝઘડો ઉગ્ર બન્યો હતો.
કૌશિકભાઈએ ખિસ્સામાંથી ચપ્પું બહાર કાઢી પ્રિતેશ તેમજ ઉમેશને મારી દીધું હતું. આ બનાવ અંગે મહુધા પોલીસે કૌશિક, કિરણ અને નિતીન સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે સામેપક્ષે ગોપાલભાઈએ હાથમાંની લાકડી કિરણભાઈના માથામાં મારી હતી. તે વખતે પ્રિતેશભાઈએ ખિસ્સામાંથી ચપ્પું કાઢી કિરણભાઈના છાતીમાં મારી હતી. તદુપરાંત નિતિનભાઈને પણ પેટમાં ચપ્પું મારી ઈજા પહોંચાડી હતી. આ અંગે કિરણભાઈની ફરીયાદને આધારે મહુધા પોલીસે પ્રિતેશ, નિતીન, ભરત અને ઉમેશ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.