SURAT

ઇલાવમાં માનવ જેવો ચહેરો ધરાવતી અને સાઇનાઇડ કરતાં 1200 ગણી ઘાતક પફર ફિશ મળી

નર્મદા નદીમાંથી 2 વર્ષ પહેલાં વૈજ્ઞાનિકોના સંશોધનમાં નદી અને દરિયાના સંગમ ભાડભુત નજીકથી 17 ઓક્ટોપસ મળી આવ્યા હતા. જે બાદ સરદાર બ્રિજ નજીકથી એક માછીમારને કાંટા વાળી કેકટર્સ કે પફર ફિશ (puffer fish) મળી આવી હતી. માનવ જેવો ચહેરો ધરાવતી આ માછલી હાંસોટ તાલુકાના ઇલાવ ગામ નજીક કીમ નદીમાંથી એક માછીમારની જાળમાં પકડાઈ છે. અત્યંત ઝેરી આ માછલીએ કુતૂહલ સર્જ્યું હતું.

હાંસોટ તાલુકાના ઇલાવ ગામ નજીક કીમ નદીમાં એક માછીમારની જાળમાં માનવ ચહેરા જેવો દેખાવ ધરાવતી માછલી નજરે પડતાં ગ્રામજનો આશ્ચર્ય સાથે તેને જોવા ઊમટ્યા હતા. ઇલાવ ગામના નરસિંહ રાઠોડ કીમ નદીમાં શુક્રવારે સવારે રોજિંદા ક્રમ મુજબ માછીમારી કરવા પહોંચ્યા હતા. સવારના સમયે તેમણે પાણીમાં જાળ ફેંકી ત્યારે નદીમાંથી અન્ય માછલીઓ સાથે એક અનોખા દેખાવવાળી માછલી પણ તેમની જાળમાં ફસાઈ હતી. આ માછલી જાળમાંથી બહાર કાઢી ત્યારે પાણીમાં ન હોવા છતાં પણ તેને કોઈ ખાસ સમસ્યા દેખાઈ ન હતી.

આ માછલીનો દેખાવ જાણે માનવ ચહેરા જેવો જણાતો હતો. આ અનોખી માછલી નરસિંહ રાઠોડ ગામમાં લઈ ગયા હતા. માછલી બાબતે નિષ્ણાતનો અભિપ્રાય લેવામાં આવતાં આ માછલી પફર ફિશ હોવાનું જાણવા મળ્યું હતું. દેખાવ ઉપરાંત આ માછલી અન્ય એક ખાસિયત પણ ધરાવે છે. આ માછલી આકારમાં નાની હોય છે. પરંતુ તે જયારે પણ અસલામતીનો અનુભવ કરે ત્યારે તે પોતાનો આકાર મોટો બનાવી શકે છે. પફર ફિશ સમુદ્ર અને નદીના પાણી જ્યાં મળતા હોય છે તે ભાભરા વિસ્તારોમાં જોવા મળે છે.

માછીમારોની ભાષામાં સફેદ ભીંગારો તરીકે ઓળખાય છે: પ્રવીણ ટંડેલ

સુરત એક્વેરિયમને જાણ થતાં તેમના કર્મચારી ઇલાવ ગામે દોડી આવ્યા હતા. કેકટર્સ કે કિલર ફિશ તરીકે ઓળખાતી આ માછલી અત્યંત ઝેરી હોય છે. અન્ય જીવ હુમલો કરે તો ફેફડામાં હવા ભરી દડાં જેવી થઈ જાય છે. માછી સમાજના અગ્રણી પ્રવીણ ટંડેલે જણાવ્યું હતું કે, માછીમારોની ભાષામાં સફેદ ભીંગારો તરીકે ઓળખાય છે.

એક પફર ફીશમાં રહેલું ઝેર 30 લોકોને મારી શકે છે

એક પફર ફીશમાં રહેલું ટોક્સિન (ઝેર) 30 લોકોને મારી શકે છે. ટેટ્રોડોટોકસીન ધરાવતી આ માછલી સાઈનાઇડ કરતાં 1200 ઘણી ઘાતક હોય છે. દુનિયાભરમાં આ પફર ફિશની 120 જેટલી અલગ અલગ પ્રજાતિઓ જોવા મળે છે. જે તમામમાં ટોકસિક હોય તેને આરોગી શકાતી નથી. હાલ તો માનવ જેવો ચહેરો ધરાવતી આ અનોખી માછલીના વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થઈ રહ્યા છે.

Most Popular

To Top