સુરતઃ પત્નીના પૂર્વ પ્રેમી સાથે બદલો લેવા માટે પોલીસકર્મી પતિએ ચોંકાવનારું કારસ્તાન કર્યું છે. મહારાષ્ટ્રના નાગપુરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પતિએ પોતાના મિત્રની મદદથી સુરતમાં બેન્ક ઓફ બરોડામાં રિજનલ મેનેજર તરીકે નોકરી કરતા પત્નીના પ્રેમીના મોપેડની ડીકીમાં બે જીવતા કાર્ટિઝ મુકી દીધા હતા અને ત્યાર બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી દીધો હતો. આ મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.
શહેર પોલીસ કંટ્રોલ રૂમને એક કોલ આવ્યો હતો, જેમાં ઘોડદોડ રોડ પાંજરાપોળની સામે સન કોમ્પલેક્સના બેઝમેન્ટમાં પાર્ક મોપેડમાં કાર્ટિજ અને ગન હોવાની બાતમી મળી હતી. કોલના પગલે ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મોપેડમાં તપાસ કરતા તેમાંથી ગ્રે કલરના પાઉચમાંથી બે જીવતા કાર્ટિજ મળી આવ્યા હતા. મોપેડ બેન્ક ઓફ બરોડાના રિજનલ ઓફિસર ધનબિહારી પારસનાથ તિવારીની હોવાનું બહાર આવ્યું છે. કાર્ટિજ અંગે તિવારી અજાણ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, તેથી પોલીસ મુંઝવણમાં મુકાઈ ગઈ હતી.
આ રીતે ભાંડો ફૂટ્યો
કાર્ટિજ તેની નહીં હોવાની કેફિયત ધનબિહારી તિવારીએ કહેતા પોલીસ મુંઝવણમાં મુકાઈ હતી. કોઈની સાથે દુશ્મની કે પ્રેમ સંબંધ અંગે ધનબિહારીની પૂછપરછ કરી હતી. ત્યારે ધનબિહારીએ એક મહિલા કર્મચારી સાથે પ્રેમસંબંધ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે પ્રેમિકા ઉપરાંત બેન્ક સ્ટાફની પૂછપરછ બાદ પ્રેમિકાનો નાગપુર ખાતે નાયબ પોલીસ સિપાહી એટલે કે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પતિ અશ્વિન બંસીલાલ ચાંદેનો સુરતમાં હતો. તે નાગપુર જવા નીકળ્યો હોવાની વિગત મળી હતી. તેની પૂછપરછ કરાતા તે ગોળ ગોળ વાત કરતો હતો. જોકે, આખરે અશ્વિન ભાંગી પડ્યો હતો.
પતિએ ગુનો કબૂલ્યો
પત્ની સાથે ધનબિહારીના દોઢ બે વર્ષથી પ્રેમ સંબંધ છે. બંનેને અનેક વખત ઠપકો આપ્યો હતો પરંતુ તેમ છતાં પ્રેમ સંબંધ ચાલુ રાખ્યો હતો. તેથી બદલો લેવા મહારાષ્ટ્રના નકસલવાદથી પ્રભાવિત ગઢચિરોલી ખાતેથી લાવેલા એસએલઆર રાઈફલના બે કાર્ટિજ મિત્ર સાહિલ ખાન સલીમ ખાનની મદદથી મોપેડની સીટ એક સાઈટથી ઊંચી કરી ડીકીમાં મુકાવી હતી. ત્યાર તેની પાસે જ કંટ્રોલ રૂમમાં ફોન કરાવ્યો હતો. પોલીસે આરોપી કોન્સ્ટેબલની અશ્વિનની ધરપકડ કરી છે.