નાઝીમ હિકમત પ્રખ્યાત તુર્કીશ કવિ અને અબીદીન દિનો તુર્કીશ ચિત્રકાર- બંને પરમ મિત્ર. એક દિવસ કવિ શ્રી હિક્મતે પોતાના ચિત્રકાર દોસ્તને કહ્યું, ‘મારે સાચી ખુશી વિષે એક કવિતા લખવી છે …તું સાચી ખુશી દર્શાવતું કોઈ એક ચિત્ર દોરી બતાવ….તો મને કૈંક પ્રેરણા મળે.’ ચિત્રકાર અબીદીન મિત્રની વાત સાંભળી પોતાના કેનવાસ , પીંછીઓ અને રંગો લઈને વિચારમાં પડ્યા …આમતેમ ઘણું ફર્યા …ઘણું જોયું …ઘણું વિચાર્યું, પછી તેમણે એક સુંદર ચિત્ર દોર્યું …ચિત્ર સાચી ખુશીનું [પિક્ચર ઓફ હેપીનેસ] એક ચિત્ર …
જેમાં એક નાનકડું ગરીબ ઘર ..તૂટેલું ફૂટેલું ….દિવાલોનો રંગ ઊડી ગયેલો …ઘરમાં એક ખૂણામાં રસોડું અને એક ખૂણામાં એક પલંગ તે પણ તૂટેલો …ઈંટના ટેકે ઊભેલો … નાનકડી બારી અને બારી બહાર વરસતો વરસાદ …પાણી ટપકતું છ્પારું …અને પલંગ પર એકબીજાને વળગીને એકબીજાના પ્રેમની હૂંફમાં સૂતેલો માતા પિતા અને છ બાળકોનો પરિવાર …પિતાના હાથમાં છાપરાંમાંથી ટપકતાં પાણીથી બચવા ખુલ્લી છત્રી….એક જ ઓઢવાનું …વળી સાથે પાળેલો કૂતરો …અને આવી વિકટ પરિસ્થતિમાં પણ પલંગ પર સૂતેલા દરેક જણના મોઢા પર એક નાનકડું મીઠું સ્મિત ….
આ ચિત્ર દોર્યા બાદ ચિત્રકારના મુખ પર હાસ્ય છવાયું કે દિવસોની મહેનત સફળ થઇ.તેમણે પોતાના કવિ દોસ્તને ચિત્ર બતાવ્યું અને કવિમિત્ર ખુશ થઇ ગયા.આ ચિત્ર જોઇને તેમણે દોસ્તને ગળે વળગાડીને કહ્યું, ‘દોસ્ત, તારું આ ચિત્ર ઘણું પ્રખ્યાત થશે.આ ચિત્ર સાચી ખુશીનું સાચું પ્રતિબિંબ છે.અનેક અભાવો દર્શાવતા આ ચિત્રમાં પરિવારના દરેક જણના મુખ પર એક નાનકડી મીઠી મુસ્કાન છે, તકલીફોનો કોઈ ઓછાયો નથી. આ જ છે ‘સાચી ખુશી’….. સાચી ખુશીનો અર્થ જીવનમાં કોઈ દુઃખો કે અભાવો નહિ એ નથી…
સાચી ખુશીનો અર્થ છે જીવનમાં આપણી પોતાની પરિસ્થિતિ અને સંજોગો જે હોય તેનો સ્વીકાર કરવો અને દુઃખ હોય કે અભાવો તેનો મનથી સ્વીકાર કરવો.જે સ્થિતિ હોય તેમાં સારું શોધવું અને સકારાત્મક રહેવું …અને જે પરિસ્થિતિ આપણા હાથની બહાર હોય જે આપણે બદલી શકવાના ન હોઈએ તે વિષે ખોટી ચિંતા ન કરવી.દરેક સંજોગોમાં હસતા રહેવું અને ખુશ રહેવું.’કવિમિત્રે પોતાના દોસ્તના ચિત્રને બરાબર સમજ્યું.આ ચિત્ર અત્યારે પણ સાચી ખુશીના પ્રતીક તરીકે પ્રખ્યાત છે. જીવનમાં દરેક સંજોગોનો સ્વીકાર કરી લઈએ ,ખોટી ચિંતાઓ છોડી દઈએ, જે થાય છે અને જે છે તે આપણા માટે અને આપણા સારા માટે છે એમ સ્વીકારી લઈએ તો સાચી ખુશી હાથવેંતમાં જ છે.