ફિલીપાઇનમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. એએફપીના સુરક્ષાબળોના હવાલેથી દક્ષિણ ફિલીપાઇનમાં લેંડ કરતી વખતે એક સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. આ વિમાનમાં ઓછામાં ઓછા 85 લોકો સવાર હતા. સળગતાં વિમાનના કાટમાળમાંથી 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ બચાવકાર્ય ચાલી રહ્યું છે.
સશસ્ત્ર દળના વડા સિરીલિટો સોબેજાનાએ જણાવ્યું હતું કે વિમાન દક્ષિણના શહેર કાગાયન ડી ઓરોથી સૈન્ય લઈ રહ્યું હતું. મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંત સુલુમાં સરકારી દળો દાયકાઓથી અબુ સૈયફ ઉગ્રવાદીઓ સામે લડી રહ્યા છે. તેમણે પત્રકારોને કહ્યું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. વિમાન રનવે પર લેન્ડિંગ ચૂકી ગયું હતું અને ક્રેશ થયું હતું.
સોબેજાનાએ કહ્યું કે વિમાનમાં સવાર ઓછામાં ઓછા 40 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સેના બાકીના લોકોને બચાવવા પ્રયાસ કરી રહી છે. એબીએસ-સીબીએન ન્યુઝ દ્વારા ટ્વિટર પર શેર કરેલા ફોટામાં, ડૂબેલા વિમાનના ભંગારમાંથી ધુમાડો અને જ્વાળાઓ દેખાઈ રહી છે, તેમ રોઇટર્સ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું છે.
ન્યુઝ એજન્સી એ.પી.ના જણાવ્યા અનુસાર, આ વિમાન દુર્ઘટના પાછળનું કારણ શું છે તે હાલમાં પણ સ્પષ્ટ નથી થઈ શક્યું. મધ્ય ફિલિપાઇન્સમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ સુલુ ક્ષેત્રમાં હવામાનની અસર થઈ છે કે કેમ તે જાણી શકાયું નથી. સુલોના મુખ્ય શહેર જોલોમાં એરપોર્ટ એક પર્વતીય ક્ષેત્રથી થોડા કિલોમીટર દૂર સ્થિત છે જ્યાં સૈનિકો અબુ સૈયફ સાથે લડત ચલાવી રહ્યા છે. કેટલાક આતંકવાદીઓએ પોતાને ઇસ્લામિક સ્ટેટ જૂથ સાથે જોડ્યા છે.