રાજકોટ : રાજકોટમાં (Rajkot) ખાનગી હોસ્પિટલમાં (Private hospital) ફરજ બજાવતી નર્સનું (Nurse) રહસયમય મોત (Death) નીપજતા ચકચાર મચી જવા પામ્યો છે. શહેરના માધાપર ચોક પાસે આવેલી સીનર્જી હોસ્પિટલમાં (Synergy Hospital) નર્સ તરીકે ફરજ બજાવતી અલ્પાબેન ભુપતભાઈ જનકાત તેના ફેલ્ટના બાથરૂમમાંથી (bathroom) બેભાન મળી આવી હતી. સારવારે અર્થે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું. શંકાસ્પદ મૃત્યુ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના માધાપર ચોક પાસે વરૂણ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતી અને મૂળ ગીર સોમનાથની અલ્પાબેન સીનર્જી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. અલ્પાબેન તેના ફ્લેટના બાથરૂમમાંથી બેભાન મળી આવતા તેણીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મોતનું કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પરંતુ કોઝ ઓફ ડેથ પેન્ડિંગ રખાયું છે અને વિસેરા લેવામાં આવ્યા છે.
અલ્પા બાથરૂમમાંથી બેભાન મળી
મળતી માહિતી અનુસાર હોસ્પિટલ દ્વારા નર્સને રહેવા માટે ભાડે રખાયેલા ફ્લેટમાં બીજા માળે અલ્પાબેન બીજી બે રૂમ પાર્ટનર સાથે રહેતી હતી. અલ્પાબેન ગઇકાલે નોકરી પરથી પરત આવ્યા બાદ તે નાહવા ગઇ હતી. પરંતુ તે લાંબા સમય સુધી બાથરૂમમાંથી બહાર ન આવતાં અને દરવાજો ખખડાવવા છતાં નહીં ખોલાતાં રૂમ પાર્ટનરે અન્ય માળ પર રહેતાં લેડી વોર્ડનને બોલાવી દરવાજો તોડાવીને જોતાં અલ્પા બાથરૂમમાં બેભાન મળી આવી હતી. તાત્કાલિક તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસને રૂમમાંથી ખાલી ઈન્જેકશન મળી આવ્યું
આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર અલ્પાબેન મૂળ ગીર સોમનાથની વતની છે. તેનો એક ભાઇ મવડી તરફ રહે છે અને નોકરી કરે છે. વધુ તપાસમાં જાણવા મળ્યું છે કે અલ્પાબેનના રૂમમાંથી એક ખાલી ઈન્જેકશન મળી આવ્યું હતું. જોકે શરીર પર ઇન્જેકશન લીધાના નિશાન મળ્યા નથી. અલ્પાબેનના બંને સાથળ પર ચાંભા પડી ગયા હોય તેવા નિશાન જોવા મળ્યા હોય આ નિશાન શાના હોઇ શકે? તે અંગે પણ પોલીસે તપાસ યથાવત રાખી છે.
પોસ્ટમાર્ટમ બાદ હકીકત સામે આવશે
પોલીસે મૃત અલ્પાબેનના ભાઈ, રૂમ પાર્ટનર અને અન્ય નર્સના નિવેદન લીધા છે. જેમાં અલ્પાબેનના જીવનમાં કોઈ મુશકેલી હોય તેવું સામે આવ્યું નથી. હાલ પોલીસે આ કેસને શંકાસ્પદ રીતે તપાસવાની તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ વિસેરા લેવાયા હોય મોતનું કારણ જાણવા વિસેરા રિપોર્ટની અમુક દિવસો રાહ જોવી પડશે.