ફિલ્મી સિતારાઓ જે વૈભવશાળી જિંદગી જીવી રહ્યા છે, તેનો મેળ તેમની કમાણી સાથે હોય તેવું દેખાતું નથી. ઘણી નવોદિત હીરોઈનો એકાદ બે ફિલ્મોમાં ચમકી હોય ત્યાં તેમની પાસે કરોડો રૂપિયાના બંગલાઓ અને લક્ઝરી કારોનો કાફલો કેવી રીતે આવી જાય છે તે સમજાતું નથી. ફિલ્મસ્ટારો સેક્સ અને ડ્રગ્સનાં રેકેટો ચલાવતા હોવાની જાણ આ લખનારને હતી, પણ હવે તેઓ ઓનલાઈન જુગારનું પણ મોટું કૌભાંડ ચલાવતાં હોવાનું બહાર આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અભિનેતા રણબીર કપૂરને છત્તીસગઢની મહાદેવ બેટિંગ એપ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સમન્સ જારી કર્યો છે અને તેને પૂછપરછ માટે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.
ઇડી આ કેસમાં ૧૪ થી ૧૫ અન્ય સેલિબ્રિટીઓની ભૂમિકાની તપાસ કરી રહી છે અને તેમને પણ ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવશે. ઇડીની તપાસમાં ખુલાસો થયો છે કે રણબીર કપૂરને મહાદેવ એપ્લિકેશનના પ્રમોટરો દ્વારા તેમના ગેમિંગ પ્લેટફોર્મને પ્રમોટ કરવાના બદલામાં પૈસા આપવામાં આવ્યા હતા. જે પૈસાથી આ ચૂકવણી કરવામાં આવી હતી તે કથિત રીતે ગુનાની આવક હતી. રણબીર કપૂર મહાદેવ એપની જાહેરાતો અને સોશ્યલ મિડિયા પ્રમોશનમાં પણ જોવા મળ્યો હતો. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે રણબીર કપૂરે એપના એક પ્રમોટરના લગ્નમાં પરફોર્મ કરવા માટે પ્રમોટરો પાસેથી કથિત રીતે પૈસા મેળવ્યા હતા.
સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ દ્વારા પ્રમોટ કરાયેલી કંપની મહાદેવ એપ કથિત રીતે ક્રિકેટ, ટેનિસ, બેડમિન્ટન, પોકર અને પત્તાની રમતો સહિત વિવિધ લાઈવ ગેમ્સમાં ગેરકાયદેસર સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પ્રદાન કરે છે. તે છેલ્લાં ચાર વર્ષથી કામ કરે છે. કંપનીના પ્રમોટર્સ છત્તીસગઢના છે અને મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ્લીકેશન એ એક મુખ્ય સિન્ડિકેટ છે જે ગેરકાયદેસર સટ્ટાબાજીની વેબસાઈટને સક્ષમ કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ ગોઠવે છે. ઘણાં ફિલ્મી સિતારાઓ આ કૌભાંડમાં સંડોવાયેલાં હોવાનું મનાય છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં યુનાઈટેડ આરબ અમીરાતમાં વૈભવશાળી લગ્ન યોજાયાં હતાં. આ લગ્નમાં ૨૦૦ કરોડ રૂપિયા રોકડા ખર્ચવામાં આવ્યા હતા. સંબંધીઓને પ્રાઈવેટ જેટ દ્વારા ભારતથી દુબઈ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં નૃત્ય અને ગાયનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમાં મોટી ફિલ્મી હસ્તીઓએ પર્ફોર્મ કર્યું હતું. લગ્ન માટે આટલો ખર્ચો કરવામાં આવે અને કોઈના ધ્યાનમાં ન આવે તે શક્ય નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આની નોંધ લીધી અને પછી મની લોન્ડરિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ લગ્ન સૌરભ ચંદ્રાકરના હતા. આ લગ્ન માટે મુંબઈથી વેડિંગ પ્લાનર, ડાન્સર્સ અને ડેકોરેટર્સ વગેરેને બોલાવવામાં આવ્યા હતા અને તે તમામને રોકડ ચુકવણી માટે હવાલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડિજિટલ પુરાવાના આધારે ઇડીએ દાવો કર્યો છે કે યોગેશ પોપટની આર-વન ઇવેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને ૧૧૨ કરોડ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. આ સિવાય હોટલ બુકિંગ પાછળ ૪૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઇડીનો દાવો છે કે તેણે યોગેશ પોપટ, મિથિલેશ અને તેની સાથે જોડાયેલાં અન્ય લોકોની શોધખોળ દરમિયાન ૧૧૨ કરોડ રૂપિયાના હવાલા મનીના પુરાવા એકત્ર કર્યા છે. આ ઉપરાંત યોગેશ પોપટના કહેવાથી ૨.૩૭ કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ રકમ પણ મળી આવી હતી.
ઇડીએ ૧૫ સપ્ટેમ્બરે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે ઇડીએ ભોપાલના ધીરજ આહુજા અને વિશાલ આહુજાની મેસર્સ રેપિડ ટ્રાવેલ્સની તપાસ કરી હતી. આ કંપની મહાદેવ એપના પ્રમોટર્સ, કુટુંબીજનો, વેપારી લોકો અને મહાદેવ એપ, રેડ્ડી અન્ના એપ અને ફેપ્લે.કોમ જેવી સટ્ટાબાજીની વેબસાઇટ્સને સમર્થન આપનાર તમામ સેલિબ્રિટીઓ માટે ટિકિટો બુક કરાવતી હતી. સટ્ટાબાજી દ્વારા કમાયેલી રોકડ આહુજા બંધુઓએ મુખ્ય ટિકિટ પ્રદાતાઓ પાસે ચતુરાઈથી જમા કરાવી હતી અને બાકીના વોલેટ બેલેન્સમાંથી ટિકિટ બુક કરાવતા હતા. મુસાફરીની વ્યવસ્થા રેપિડ ટ્રાવેલ્સ દ્વારા જ હાથ ધરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.
ઇડીએ મહાદેવ એપના મની લોન્ડરિંગ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોની પણ ઓળખ કરી છે. ઇડીએ કહ્યું કે કોલકાતાનો વિકાસ ચપરિયા મહાદેવ એપના સમગ્ર હવાલા બિઝનેસને સંભાળતો હતો. ઇડીએ વિકાસ છાપરિયા અને તેના સહયોગી ગોવિંદ કેડિયાના પરિસરમાં સર્ચ કર્યું હતું. આ દરમિયાન એવું બહાર આવ્યું કે કેડિયાની મદદથી છાપરિયાએ તેની કંપની પરફેક્ટ પ્લાન ઇન્વેસ્ટમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણ દ્વારા ભારતીય શેરબજારમાં જંગી રોકાણ કર્યું હતું.
સૌરભ ચંદ્રાકર છત્તીસગઢના ભિલાઈનો રહેવાસી છે. સૌરભે તેના મિત્ર રવિ ઉપ્પલ સાથે મળીને મહાદેવ ઓનલાઈન એપ શરૂ કરી હતી. આ એપ પર ઓનલાઈન સટ્ટાબાજી કરવામાં આવે છે. મહાદેવ કંપનીના પ્રમોટર્સ તેને દુબઈથી ઓપરેટ કરતા હતા. તેઓ નવા યુઝર્સની નોંધણી કરવા, આઈડી બનાવવા અને મલ્ટીલેયર બેનામી બેંક એકાઉન્ટના નેટવર્ક દ્વારા નાણાંની લેવડ-દેવડ કરવા માટે ઓનલાઈન બુક બેટિંગ એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે. આ કૌભાંડમાંથી ચંદ્રાકરની કંપનીને આશરે રૂ. ૫,૦૦૦ કરોડનો ફાયદો થયો હોવાનું કહેવાય છે.
મહાદેવ ઓનલાઈન બેટિંગ એપના માલિકો સ્થાનિક વેપારીઓ અને હવાલા કામગીરી સિવાય પાકિસ્તાનમાં લિંક ધરાવતા હોવાની શંકા છે. તેઓ ૭૦:૩૦ ના નફાના ગુણોત્તર પર ફ્રેન્ચાઇઝી દ્વારા ખોલવામાં આવેલી શાખાઓના અધિકારો આપતા હતા. મોટા પાયે સટ્ટાબાજીથી કમાયેલાં નાણાંને અન્ય દેશોમાં ખાતાંઓમાં મોકલવા માટે હવાલાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ભારતમાં નવા યુઝર્સને આકર્ષવા માટે સટ્ટાબાજીની વેબસાઈટને પ્રોત્સાહન આપવા માટે મોટી રકમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઇડી પહેલાં છત્તીસગઢ પોલીસે મહાદેવ એપ સામે તપાસ શરૂ કરી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર છત્તીસગઢ પોલીસે આ મામલામાં અત્યાર સુધીમાં ૭૫ FIR નોંધી છે, જ્યારે ૪૨૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં રાયપુર, ભોપાલ, મુંબઈ અને કોલકાતાનાં ૩૯ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં ઇડીએ મહાદેવ ઓનલાઈન લોટરી એપ કેસની તપાસ કરતી વખતે કોલકાતા, ભોપાલ, મુંબઈ સહિત દેશનાં વિવિધ શહેરોમાં દરોડા પાડ્યા હતા અને ૪૧૭ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી ત્યારે આ મામલો ચર્ચામાં આવ્યો હતો. આ કંપની પર ગેરકાયદેસર સટ્ટાબાજીની વેબસાઇટ્સ પર નવા વપરાશકર્તાઓ લાવવાનો, બેનામી બેંક એકાઉન્ટ્સ ખોલવાનો અને નાણાંની ઉચાપત કરવાનો આરોપ છે.
તપાસ એજન્સીએ મહાદેવ ઓનલાઈન લોટરી તપાસ કેસમાં કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા, અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને અભિનેત્રી હુમા કુરેશીને પણ સમન્સ મોકલ્યા છે. તેની સાથે પ્રખ્યાત ટી.વી. અભિનેત્રી હિના ખાનને પણ ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યો છે. ઇડીની તપાસના દાયરામાં આતિફ અસલમ, રાહત ફતેહ અલી ખાન, અલી અઝગર, વિશાલ દદલાની, ટાઈગર શ્રોફ, નેહા કક્કર, એલી અવરામ, ભારતી સિંહ, સની લિયોન, ભાગ્યશ્રી, પુલકિત, કીર્તિ ખરબંદા, નુસરત ભરૂચા અને કૃષ્ણા અભિષેક જેવા ફિલ્મી સિતારાઓનાં નામો પણ સામેલ છે.