નડિયાદ: ડાકોર-કપડવંજ રોડ પર આવેલ દાજીપુરા નજીક પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી બસની આગળ એકાએક પશુ આડુ ઉતર્યું હતું. દરમિયાન આ પશુને બચાવવા જતાં ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ પલ્ટી ખાઈને રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. માત્ર ચાર મુસાફરોને જ સામાન્ય ઈજા પહોંચી હતી. ચારેય ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
હાલ, નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે. ત્યારે માતાજીના દર્શન કરવા માટે શ્રધ્ધાળુઓ અંબાજી પહોંચી રહ્યાં છે. અંબાજી જતી તમામ એસ.ટી બસ, ખાનગી વાહનો ભરચક જોવા મળી રહ્યાં છે. જે અંતર્ગત ઝઘડીયાથી અંબાજી જવા નીકળેલી નવી નક્કોર એસ.ટી બસ નં જીજે 18 ઝેડ 8297 બસમાં પણ ઘણાં મુસાફરો સવાર હતાં. આ બસ બુધવારના રોજ સવારના સમયે ડાકોર બસમથકમાં આવી હતી. જ્યાંથી કેટલાક મુસાફરોને બેસાડી આ બસ અંબાજી તરફ જવા રવાના થઈ હતી. 45 જેટલાં મુસાફરો ભરેલી બસ ડાકોર-કપડવંજ રોડ પર આવેલ દાજીપુરા ગામના પાટીયા નજીકથી પુરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. તે વખતે રસ્તામાં એકાએક પશુ આડુ ઉતર્યું હતું. આ પશુને બચાવવાના ચક્કરમાં બસના ચાલકે ઓચિંતી બ્રેક મારી હતી.
દરમિયાન ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં બસ પલ્ટી ખાઈને રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં નવી નક્કોર બસના કાચ તુટી ગયા હતાં તેમજ બોડીને પણ ઘણું નુકશાન પહોંચ્યું હતું. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. બસમાં સવાર 45 પૈકી માત્ર ચાર મુસાફરોને જ સામાન્ય ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે બાકીના મુસાફરોને અન્ય બસ મારફતે અંબાજી જવા રવાના કરવામાં આવ્યાં હતાં.