SURAT

CCTV: જન્મ થતાં જ નવજાત બાળકીને માતાએ બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધી, સુરતની ઘટના

સુરત: સુરતના (Surat) મગદલ્લા ગામમાં અરેરાટીપૂર્ણ ઘટના બની છે. અહીં એક નવજાત બાળકીને (Baby) જન્મતાની સાથે જ બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દઈ મોતને (Death) ઘાટ ઉતારી દેવામાં આવી છે. બાળકી આંખ ખોલે તે પહેલાં જ હંમેશા માટે તેની આંખો બંધ કરી દેવામાં આવી છે. કોઈકે પોતાનું પાપ છુપાવવા માટે માસૂમની હત્યા કરી હોવાની આશંકા છે. બાળકીનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે આસપાસના મકાનોના સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કરતાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. કોઈકે બિલ્ડિંગ પરથી બાળકીને ફેંકી છે.

સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મગદલ્લા ખાતે આવેલા પાદર સ્ટ્રીટ મેઇન રોડ પર પંચકુટીર સ્ટ્રીટમાં સોમવારે વહેલી સવારે સાડા છ વાગ્યાના સમયગાળા દરમિયાન પોલીસને નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં તપાસ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી છે. કોઈ નવજાત બાળકીનો મૃતદેહ અહીં ફેંકી નહોતું ગયું પરંતુ આસપાસની બિલ્ડિંગમાંથી કોઈકે નીચે ફેંક્યું હતું. સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ માહિતી બહાર આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત શહેરના મગદલ્લા ખાતે પાદર સ્ટ્રીટ ખાતે રહેતા ખેડૂત બીપીનભાઈ દયાળભાઈ પટેલે પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર ઉપર ફોન કરી પાદર સ્ટ્રીટ મેઇન રોડ પર પંચકુટીર સ્ટ્રીટમાં નવજાત બાળક પડ્યું હોવાની જાણ કરી હતી. બાદમાં પોલીસે બનાવ વાળી જગ્યા પહોંચી 108ની ટીમને બોલાવી હતી. જ્યાં ફરજ પરના કર્મચારીએ બાળકીને મૃત જાહેર કરી હતી. જેથી પોલીસ મૃત નવજાત બાળકીના મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ ખેડૂત બીપીનભાઈની ફરિયાદ આધારે બાળકીને ત્યજી દેનાર અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બાળકીની હત્યા કરનાર સગીર જનેતાની અટકાયત
આ કેસમાં ઉમરા પોલીસે એક સગીરાની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. પૂછપરછમાં સગીરાએ પોતે નવજાત બાળકીને બિલ્ડિંગ પરથી ફેંકી હોવાની કબૂલાત કરી હતી. રાત્રિના સમયે નવજાત બાળકીની હત્યા કરી હતી, ત્યાર બાદ બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધી હતી. આ સાથે સગીરાએ એવો ખુલાસો પણ કર્યો હતો કે પ્રેમી સાથેના અનૈતિક સંબંધના લીધે બાળકીનો જન્મ થયો હતો. સગીરા અને તેના પ્રેમી સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

Most Popular

To Top