કિવ: યુક્રેનમાં બગડતી પરિસ્થિતિને જોતા કિવમાં ભારતીય દૂતાવાસ નવી એડવાઈઝરી જારી કરી રહી છે. આ એડવાઈઝરીમાં, દૂતાવાસે કહ્યું છે કે વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને આજે તરત જ કિવ છોડવાની સલાહ આપવામાં આવે છે. દૂતાવાસે ઉપલબ્ધ ટ્રેનો દ્વારા અથવા ઉપલબ્ધ અન્ય કોઈપણ માધ્યમથી કિવને તાત્કાલિક છોડવા જણાવ્યું છે. ભારતીય દૂતાવાસે લોકોને કિવ શહેર છોડી દેવા પણ કહ્યું છે, તેઓ જ્યાં પણ છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ ઘેરું બની રહ્યું છે. યુક્રેનની રાજધાની કિવમાં સ્થિતિ બગડી ગઈ છે. ગમે તે સમયે રશિયન સૈન્ય કિવ પર કબ્જો કરી લેશે. જેના પગલે કીવમાં ફસાયેલા ભારતીયો માટે એક એડવાઇઝરી ઇન્ડિયન એમ્બેસી દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે તમામ ભારતીય નાગરિક અને વિદ્યાર્થીની આજે જ કિવ છોડી દો. કહ્યું કે કિવ છોડવા માટે જે સાધન મળે તેણે તરત જ પકડી ત્યાંથી નીકળી જાવ. યુક્રેનમાં રહેલા ભારતીય દૂતાવાસ તરફથી જણાવવામાં આવ્યું છે કે ટ્રેન, અથવા જે પણ પરિવહન માટેનું સાધન મળે તેને પકડી લો અને જલ્દીથી જલ્દી કિવ છોડી જતા રહો.
ઉલ્લેખનીય છે કે ભારતે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ‘ઓપરેશન ગંગા’ અભિયાન શરૂ કર્યું છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે. કેન્દ્ર સરકારે સોમવારે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સહિત ભારતીયોને બહાર કાઢવાની પ્રક્રિયાનું સંકલન કરવા યુદ્ધગ્રસ્ત દેશના પડોશી દેશોમાં ચાર મંત્રીઓને મોકલવાનો નિર્ણય લીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વાયુસેનાને ભારતીયોને બહાર કાઢવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ગંગામાં સામેલ થવાનો આદેશ આપ્યો હતો. વાયુસેનાના વિમાનોના ઉમેરા સાથે ભારતીયોના પરત આવવાની પ્રક્રિયા ઝડપી બનશે અને તેમની સંખ્યામાં પણ વધારો થશે. આ સાથે ભારતથી મોકલવામાં આવતી રાહત સામગ્રી પણ ઝડપથી પહોંચશે. ઓપરેશન ગંગા હેઠળ ભારતીય વાયુસેનાના કેટલાય C-17 વિમાનો આજે ઉડાન ભરવાનું શરૂ કરી શકે છે.