Madhya Gujarat

કરમસદમાં દેશી દારૂ બનાવી છેક અમદાવાદ સુધી પહોંચાડવાનું નેટવર્ક

આણંદ : કરમસદ ગામમાં દેશી દારૂ બનાવી તેને છેક અમદાવાદ સુધી સપ્લાય કરવાનું મસમોટું નેટવર્ક ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે પકડી પાડ્યું છે. કરમસદના સંદેશર જીઈબી સ્ટેશનના પાછળના ભાગે આવેલા ખુલ્લા મેદાનમાં દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં ચાર ગાડીમાં દારૂ ભરવામાં આવી રહ્યો હતો અને આ દારૂ છેક અમદાવાદ, ગોમતીપુર, મોહનલાલની જુની ચાલી પહોંચાડવાનું નેટવર્ક પકડી પાડ્યું હતું.

કરમસદ ખાતે રહેતો મહેન્દ્ર જીવણ તળપદા નામનો શખસ સંદેશર જીઇબી સ્ટેશનના પાછળના ભાગે દેશી દારૂની ભઠ્ઠી ગાળી, ઝાડીઓમાં દેશી દારૂનો જથ્થો સંતાડી રાખી, આ દારૂનો જથ્થો અમદાવાદ શહેર, ગોમતીપુર, મોહનલાલની જુની ચાલી ખાતે રહેતા જમશેદ શેખને પુરો પાડે છે. આ બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે છઠ્ઠી ઓક્ટોબરની મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડા સમયે સ્થળ પર છ જેટલા શખસો મળી આવ્યાં હતા, જોકે પોલીસ કાર્યવાહીના પગલે ભાગદોડ મચી હતી. આખરે મોનીટરીંગ સેલે એસઆરપીની મદદથી 3 શખસને પકડી પાડ્યાં હતાં. આ ઉપરાંત સ્થળ પર કાર મળી આવી હતી.

જેના પાછળના ભાગે દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા શખસોની પુછપરછ કરતાં મહેન્દ્ર ઉર્ફે શંભુ જયંતી પરમાર (રહે.કરમસદ)ની પૂછપરછ કરતાં તે એક કેરબાના રૂ.100 લેખે ભરી આપતો હતો. આ ઉપરાંત ભરત રાજન ઠાકોર (રહે.અમદાવાદ)ની પુછપરછ કરતાં તે શબ્બીર નુર શેખ (રહે.ગોમતીપુર) સાથે છેલ્લા પાંચ દિવસથી જમશેદ શેખની કાર લઇને તેમના કહ્યા મુજબ કરમસદથી દેશી દારૂ અમદાવાદ લઇ જતાં હતાં. એક ફેરાના રૂ.700 મળતાં હતાં. જ્યારે શબ્બીર નુર શેખે પણ આજ વાત કરી હતી.

મોનીટરીંગ સેલ દ્વારા સ્થળ પરથી કાર, રીક્ષા, બે ટુ વ્હીલર જપ્ત કરી મહેન્દ્ર, શબ્બીર અને ભરતને વિદ્યાનગર પોલીસને હવાલે કર્યાં હતાં. આ કેસમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સ્થળ પર કેટલોક દેશી દારૂના જથ્થાનો નાશ પર કર્યો હતો. આ ઉપરાંત રોકડ, મોબાઇલ, વાહન સહિત કુલ રૂ.2,82,520નો મુદ્દામાલ કબજે કરી મહેન્દ્ર ઉર્ફે શંભુ જયંતી પરમાર, ભરત રાજન ઠાકોર, શબ્બીર નુર શેખ, મહેન્દ્ર જીવણ તળપદા, મહેશ તળપદા, જમશેદ શેખ તથા બે ટુ વ્હીલર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top