Madhya Gujarat

આણંદ-નડિયાદમાં મોડેલ ફાયર સ્ટેશન બનશે

આણંદ : આણંદ અને નડિયાદ નગરપાલિકા સહિત રાજ્યની 16 પાલિકામાં જિલ્લા કક્ષાના વડા મથકે ફાયર સ્ટેશન બનાવવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમયાનુકુલ સાધનોથી સજજ કરવાના અભિગમ અપનાવી 23.58 કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે. જોકે, આ ફાયર સ્ટેશન સંદર્ભે ભરતી પ્રક્રિયા પહેલેથી જ પૂર્ણ કરી દેવામાં આવી છે અને પાલિકા દીઠ 21 જેટલા કર્મચારીની નિમણૂંક કરવામાં આવશે.
રાજ્યમાં કોઇપણ નાની-મોટી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ વખતે અગ્નિશમન સેવાઓની અગત્યતા અને આવશ્યકતા ધ્યાનમાં લેતાં ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 32 નગરપાલિકામાં અત્યાધુનિક મોડેલ ફાયર સ્ટેશન નિર્માણની દિશા લીધી છે. આ સંદર્ભમાં રાજ્યની 4 નગરપાલિકાઓ આણંદ નગરપાલિકાને રૂ. 6.30 કરોડ, નડિયાદ નગરપાલિકાને રૂ. 6.22 કરોડ, ગોધરા નગરપાલિકાને રૂ. 5.94 કરોડ અને અમરેલી નગરપાલિકાને રૂ. 5.12 કરોડ મળીને કુલ 23.58 કરોડ રૂપિયા મોડેલ ફાયર સ્ટેશન્સના નિર્માણ માટે મંજૂર કર્યા છે.

આ મોડેલ ફાયર સ્ટેશન 5100 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ થશે. અંદાજે 2500 ચોરસ મીટર જગ્યા ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાટર્સ માટે રાખીને અન્ય જગ્યા મોકડ્રીલ અને ફાયર સાધનો રાખવા માટે ઉપયોગમાં લેવાશે. નગરપાલિકાઓના આ મોડેલ ફાયર સ્ટેશનોમાં વોટર બ્રાઉઝર, ફાયર ફાઇટર, બૂલેટ ફાયર જેવા આધુનિક સાધનો ઉપલબ્ધ રહેશે. અત્રે ઉલ્લેખનીય છેકે, શહેરી વિકાસ વિભાગે રાજ્યના 32 જિલ્લાઓમાં 32 નગરપાલિકાઓ ખાતે જિલ્લાના મુખ્ય ફાયર સ્ટેશન બનાવવા 32 વિભાગીય કચેરીઓ નિયત કરેલી છે.

આ ઉપરાંત નાણાંકીય વર્ષ 2022-23માં જિલ્લા કક્ષાના વડામથક ખાતેની 16 નગરપાલિકાઓમાં નગરપાલિકા દીઠ રૂ. 5.14 કરોડ પ્રમાણે 82.24 કરોડની સૈદ્ધાંતિક અનુમતી મળી છે. એટલું જ નહિ, 2022-23ના બજેટમાં ફાયર સ્ટેશન દીઠ રૂપિયા એક કરોડ પ્રમાણે રૂ. 16 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે. આ 32 નગરપાલિકાઓના ફાયર સ્ટેશનની સેવાઓ વધુ સંગીન બનાવવા માટે પ્રત્યેક નગરપાલિકામાં 21 કર્મયોગીઓ એમ કુલ 672 નવી જગ્યાઓ પૈકી મોટાભાગની જગ્યાઓ પર ભરતી પણ કરવામાં આવેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કક્ષાના મોડેલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે જે વ્યૂહ અપનાવ્યો છે, તેનાથી જિલ્લાઓમાં ફાયર-આગની આપત્તિ સમયે તાત્કાલિક બચાવ અને રાહત કાર્યો ઝડપથી થઇ શકશે.

Most Popular

To Top