ઉમરગામ : ભીલાડમાં (Bhilad) બોલાચાલી થતાં સામ સામે પોલીસ ફરિયાદ (Police Complain) નોંધાઈ છે. સરીગામની (Sari gam) સન સિટી બિલ્ડીંગમાં રહેતા અશ્વિનીસિંગ અશોકભાઈ સિંગએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેમને પ્રિન્સ ઉપેન્દ્રભાઈ તિવારી (રહે. ભિલાડ) પાસે રૂપિયા એક હજાર લેવાના નીકળતા હતા. શુક્રવારે સાંજે તેઓ સંબંધી રજનીશ સાથે ભીલાડ સ્વામિનારાયણ સ્કૂલ પાસે સરીગામ રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે રસ્તામાં મળેલા પ્રિન્સ તિવારીની કાર રોકાવી નીકળતા પૈસાની માંગણી કરી હતી જેથી પ્રિન્સ તિવારી તથા અરબાઝ ફકરુદ્દીન ખાન (રહે, ડેહલી) ગુસ્સે થઈ ગાળો આપી ઝપાઝપી કરી ધક્કો મારવા લાગ્યા હતા અને પોતાની કારથી ટક્કર મારવા પ્રયાસ કર્યો હતો. જ્યાં અશ્વિની સિંગે જમ્પ મારી કારના બોનેટ ઉપર ચડી ગયા હતા. ત્યાર બાદ પ્રિન્સ કાર લઈને ભાગી ગયો હતો.
સામે પ્રિન્સ ઉપેન્દ્ર તિવારીએ એવી ફરિયાદ નોંધાવી છે કે અશ્વિનીસિંગ અશોક સિંગ, રજનીશ રાજેશ સિંગ (બંને રહે. સરીગામ) અને ફિરોઝ શકીલ ખાન (રહે. ઘનોલી)એ રસ્તામાં અમારી કાર રોકી ઉછીના આપેલા એક હજાર રૂપિયાની માંગણી કરતા અમે રૂપિયા આજે નથી તેમ કહેતા અમારી બોલા ચાલી ઝઘડો કરી ગંદી ગાળો આપી હતી, તેમજ અશ્વિનીસિંધ કારના બોનેટ ઉપર ચડી જઈ કાર અટકાવવા પ્રયાસ કર્યો હતો. આ બનાવ સંદર્ભે ભીલાડ પોલીસ સ્ટેશનમાં સામ સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પારડીના ઉમરસાડીમાં પૈસાની લેતી-દેતી મામલે બે શખ્સો બાખડતાં એકનું માથું ફૂટ્યું
પારડી: પારડી તાલુકાના ઉમરસાડીમાં 2 હજાર રૂપિયાની લેતી દેતી બાબતે બે ઈસમ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એકને માથામાં લાકડાનો ફટકો મારી દેતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પારડી તાલુકાના ઉમરસાડી બાવરી ફળિયા ખાતે રહેતા જસવંત રમણભાઈ હળપતિ (ઉં.વ. 40)એ મહેશ ઉર્ફે સંતોષ રામસિંગ રાઠવા (રહે. ઉમરસાડી)ને અગાઉ 2000 રૂપિયા આપ્યા હતા. જે પૈસા જશવંતભાઈએ પરત માંગતા બંને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. જેમાં સંતોષે લાકડા વડે જશવંતભાઈને માથાના ભાગે ફટકો મારી દેતા ઇજા પહોંચી હતી. જેમને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ઘટના અંગે પારડી પોલીસ મથકે જશવંતભાઈના પત્ની સીમાબેન હળપતિએ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.