ગુરુજી નીતિશાસ્ત્ર સમજાવી રહ્યા હતા.તેમણે સમજાવ્યું કે, ‘શિષ્યો, આપણા લોહીના સંબંધો તો ભગવાન આપે છે.પણ આપણે જે સંબંધો આપણે પોતે જોડીએ છીએ તે આપણે બરાબર સમજીને જોડવા જોઈએ.તે સંબંધોમાં સૌથી મહત્ત્વનો સંબંધ એ છે મિત્ર, સાથી,…આ સંબંધો આપણે જોડીએ છીએ ત્યારે સમજપૂર્વક પસંદગી કરવી જોઈએ.’
એક શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, મિત્રતા, સાથી આ સંબંધો તો એવા છે કે જ્યાં દિલ મળે ત્યાં બંધાઈ જાય તેમાં શું ધ્યાન રાખવું.આ સંબંધોમાં બુદ્ધિનો અને સમજનો શું કામ ઉપયોગ કરવો જોઈએ?’ ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, આ પ્રશ્નનો જવાબ આપવા પહેલાં હું તમને એક નીતિશાસ્ત્રની વાત સમજાવતી એક નાની વાર્તા કહું છું.એક જંગલમાં એક તળાવ હતું. તળાવ ખૂબ જ નાનું અને સુંદર હતું, પણ જંગલમાં બહુ અંદર હોવાને લીધે ત્યાં કોઈ આવતું ન હતું.તળાવમાં એક હંસ એકલો રહેતો હતો અને આનંદથી જીવતો હતો અને એક દિવસ તળાવના ઝાડ પર એક કાગડો આવ્યો.કાગડાએ જોયું કે અહીં આ એક હંસ જ રહે છે, બીજું કોઈ નહિ એટલે તેને હંસ જોડે મિત્રતા કરવાનું નક્કી કર્યું,હંસ પણ સાવ એકલો હતો એટલે એણે કંઈ વિચાર્યા વિના કાગડા જોડે મિત્રતા કરી લીધી.
હંસ અને કાગડો હંમેશા સાથે ફરતા.એક દિવસ કાગડાની વાત માની હંસ અને કાગડો નગર સુધી ફરવા ગયા.નગરમાં એક ઝાડ પર બેસી વાતો કરી રહ્યા હતા.થોડી વારમાં કાગડાએ હંસને કહ્યું, ‘હું નગરમાં મારા બીજા મિત્રોને બોલાવીને આવું છું. હંસ જે ઝાડ પર બેઠો હતો ત્યાં ઝાડ નીચે રાજાના સિપાઈઓ આવીને બેઠા. થાકેલા સિપાઈઓ થોડી વારમાં સૂઈ ગયા.તેમના મુખ પર સૂરજનો તડકો પડતો જોઇને દયાળુ હંસે તેમની ઉપરની ડાળી પર બેસીને પોતાની પાંખો એ રીતે ફેલાવી કે ઝાડ નીચે સૂતેલા સિપાઈઓના મુખ પર તડકો ન આવે.
હંસ લાંબી વાર સુધી આવી રીતે પાંખ ફેલાવીને સિપાઈઓને છાંયો આપતો રહ્યો.તેટલામાં કાગડો પોતાના મિત્રો સાથે આવ્યો. તેને મસ્તી સૂઝી. તેણે તેના મિત્રોને ઈશારો કર્યો અને કાગડો હંસની પાંખો નીચેથી ઊડીને સિપાઈઓ પર ચરકયો.સિપાઈની ઊંઘ ઊડી ગઈ અને ઉપર હંસને પાંખો ફેલાવેલો જોઇને સિપાઈને તેની પર ગુસ્સો આવ્યો. તેણે બાજુમાં પડેલો પથ્થર ઉપાડીને હંસને માર્યો.હંસ ઘાયલ થઈને નીચે પડી ગયો અને કાગડો પોતાના બીજા મિત્રો જોડે દૂર દૂર ઊડી ગયો.
આ વાર્તા સંભળાવી ગુરુજી આગળ બોલ્યા, ‘શિષ્યો, આ વાર્તામાં હંસને સારા કામની પરોપકારની સજા મળી તેનું કારણ સિપાઈ નહિ પણ ખોટો સાથ હતો.ખરાબ સંગતને કારણે હંસ ઘાયલ થઈને પડ્યો હતો.નીતિશાસ્ત્ર સમજાવે છે કે તમારે તમારા જેવા સમાન આચાર-વિચાર ધરાવતા લોકો સાથે જ મિત્રતા કરવી જોઈએ અને સારા લોકો સાથે મિત્રતા કરવી જોઈએ.તમે સારા હશો પણ તમારા મિત્રો સારા નહીં હોય તો તમારી છાપ પણ ખરાબ પડશે અને તમારે ક્યારેક અને કયારેક તેનાં ગંભીર પરિણામ ભોગવવાં પડે છે.’ ગુરુજીએ નાનકડી વાર્તાથી જરૂરી સમજણ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.