સુરત(Surat): શહેરના ઉધના (Udhna) રોડ નંબર 3 પર આવેલી એક ડાઇંગ મિલમાં (Dyeing Mill) આજે તા. 9 જાન્યુઆરીને મંગળવારના રોજ વહેલી સવારે આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ઘટનામાં એક ફાયર ઓફિસર ઘવાયા હોવાની જાણકારી મળી છે.
- ઉધનાની શંકર ડાઇંગ મિલમાં વહેલી સવારે ભીષણ આગ : ફાયરની 7 ગાડીઓ ઘટના સ્થળે
- ફાયર ઓફિસર મનોજ શુકલા ઉપર સિમેન્ટનું પતરું તૂટી પડતા ઇજાગ્રસ્ત થયા
પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના રોડ નં. 3 પર આવેલી શંકર ડાઈંગ મિલમાં આજે સવારે આગ લાગી હતી. શંકર ડાઇંગ મિલમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગની (Fire Brigade) 7 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવામાં પ્રયાસ હાથ ધર્યો હતો. જોકે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું ન હતું. આગમાં કોઈ જાનહાની કે ઇજાના સમાચાર સામે આવ્યા ન હતા.
આગને કંટ્રોલ કરવાની કામગીરી દરમિયાન ફાયર ઓફિસર મનોજ શુક્લા ઈજાગ્રસ્ત થયા હતા. તેમની ઉપર સિમેન્ટનું પતરૂ પડતા કમર પર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યાર બાદ ફાયર ઓફિસર મનોજ શુક્લાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના વહેલી સવારે 6 : 46 ની હતી. કોલ મળતા જ ફાયરના જવાનો સ્થળ પર દોડી ગયા હતા. મિલની લિફ્ટના મોટર બેલટમાં આગ લાગ્યા બાદ ભાગદોડ મચી હતી. જોકે ફાયરના જવાનોએ ગણતરીની 30 મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં ફાયર ઓફિસર મનોજ શુકલા પર સિમેન્ટનું પતરું પડતાં તેઓ ઘવાયા જતા. તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ઘટનાને નજરે જોનાર શ્રવણભાઈએ જણાવ્યું હતું કે ઘટના બાદ કારીગરોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કંટ્રોલ ન થતા તાત્કાલિક ફાયરની જાણ કરી હતી. સમય સર ફાયરના જવાનો દોડી આવતા આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જોકે રોજેરોજ ડાઈગ માટે આવતું ગ્રે કાપડનો જથ્થો આગની લપેટમાં આવતા સળગી ગયો હતો. હાલ સફાઈ કામગીરી ચાલુ છે.