નવી દિલ્હી: આજે ગુરુવારે બપોરે ગ્રેટર નોઈડાના (GraterNioda) ગૌર સિટીના (GaurCity) ગેલેક્સી પ્લાઝામાં (GalaxyPlaza) ભીષણ આગ (Fire) લાગી હતી, ત્યારબાદ લોકો પ્લાઝામાંથી કૂદવા લાગ્યા હતા. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. આગની આ ઘટના ગૌર સિટી 1માં એવન્યુ 1ના ત્રીજા માળે બની હતી. આ વિસ્તાર બિસરખ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે.
લોકો પોતાનો જીવ બચાવવા માટે બારીમાંથી લટકી રહ્યાની તસવીરો સામે છે અને કેટલાક લોકો પાંચમા અને ત્રીજા માળેથી કૂદી પડ્યા છે. એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે, ત્રીજા માળેથી કાચ તોડીને એક યુવતી અને બે યુવકો નીચે કૂદતા જોવા મળ્યા હતા. કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે. કૂદકો મારનારા લોકો માટે નીચે ગાદલા નાખવામાં આવ્યા હતા. હાલ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.
આ કેસમાં એ વાત સામે આવી છે કે બિલ્ડર પાસે સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હતી. ઘટના બાદ ફાયર વિભાગ સફાળું જાગ્યું છે અને મામલાની તપાસ શરૂ કરી છે.
તમને જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલમાં ગૌર સિટી 14 એવન્યુમાં ભીષણ આગ લાગી હતી. આ અંગેની માહિતી પોલીસ અને પ્રશાસનને આપવામાં આવી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ગૌર સિટીના સ્મોલ એવન્યુના ટાવર એલમાં ભીષણ આગ લાગી હતી. બહુમાળી ઈમારતમાં જ્વાળાઓ સાથે ધુમાડાના ગોટેગોટા નીકળતા લોકોએ જોયા તો હોબાળો મચી ગયો હતો. આ જોઈને આગની જ્વાળાઓ ઉપર તરફ જવા લાગી. આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભીષણ આગના બનાવને પગલે સમગ્ર વિસ્તાર ધુમાડો બની ગયો હતો.