Dakshin Gujarat Main

આ કંપનીમાં એટલો પ્રચંડ બ્લાસ્ટ થયો કે અંકલેશ્વર ધ્રુજી ઉઠ્યું, 10 ઘાયલ

ભરૂચ: સમગ્ર ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોની ઘટનાઓએ ચિંતાજનક સ્થિતિ ધારણ કરી છે. કેમિકલ કંપનીઓમાં એક પછી એક બનતી આ ઘટનાઓ ઉદ્યોગોમાં સુરક્ષાએ અને સલામતીના પગલાંઓમાં ક્યાંક કચાશ રહેતી હોવાનો ઈશારો કરે છે. એક સપ્તાહમાં ત્રીજી ઘટનાએ તંત્રને દોડતું કર્યું છે.

ગુરુવારે મોડી રાતે અંકલેશ્વર GIDCમાં આવેલી ટેંગ્રોસ કેમિકલ ઇન્ડિયા પ્રા.લીમીટેડના પ્લાન્ટમાં ધડાકાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મશનરીમાં ધડાકો એટલો પ્રચંડ હતો કે કંપનીને અડીને રહેતા શ્રમજીવીઓ અને આસપાસની કંપનીઓમાં ધ્રુજારો અનુભવાયો હતો.

આ ઘટનામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર આપવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોમાં નાના બાળકનો પણ સમાવેશ થાય છે જે કંપની નજીક શ્રમજીવીઓ સાથે સુતેલું બાળક હતું ત્યારે તેના ઉપર કાટમાળનો ટુકડો પડ્યો હતો.
એક સપ્તાહનો ઔદ્યોગિક એકમમાં અકસ્માતનો આ ત્રીજો બનાવ છે.

જુલાઈ મહિનામાં ત્રીજી તારીખે અંકલેશ્વર જીઆઇડીસીમાં જ આવેલી કાકડીયા કેમિકલ કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ ફાટી હતી. ઘટના સમયે પ્લાન્ટમાં એસિડ લીકેજ થતા ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ આંખમાં બળતરાની તકલીફ અનુભવી હતી.

આ ઘટના બાદ ગઈ તા. 5મી જુલાઈએ દહેજ જીઆઇડીસીમાં આવેલી લુના કેમિકલ કંપનીમાં પણ આગની ઘટના સામે આવી હતી. કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી હતી જેને બુઝાવવા કંપનીની ફાયર સેફટી સિસ્ટમ પૂરતી સાબિત ન થતા આસપાસના એકમો અને જીઆઇડીસી નોટીફાઈડ એરિયા ઓથોરીટી સંચાલિત ફાયર બ્રિગેડને મદદ માટે કોલ અપાયો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી નથી પરંતુ પ્લાન્ટને મોટું નુકસાન પહોંચ્યું હતું.

દરમિયાન ગુરુવારે મોડીરાત્રે ઔદ્યોગિક અકસ્માતની ત્રીજી ઘટના અંકલેશ્વરમાં સામે આવી છે જેમાં ટેંગ્રોસ કેમિકલ કંપનીમાં સર્જાયેલા અકસ્માતના પગલે જિલ્લાના મોટા અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. કંપનીના પ્લાન્ટમાં વિસ્ફોટના લીધે નાસભાગ મચી ગઈ હતી. ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસની કંપનીઓમાં પણ ધ્રુજારો અનુભવાયો હતો.વિસ્ફોટ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેસર વધતા ફાટ્યું બોઇલર હોવાનું જાણવા મળે છે.

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પર્યાવરણના જતન માટે કડક હાથે કામ લેતું હોય છે પણ અકસ્માત સમયે સળગી ઉઠતા રસાયણોના ધુમાડા સીધા પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોય છે. સમયાંતરે બનતી આ ઘટ્નાઓ ઉપર નિયંત્રણ ન આવતા ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

Most Popular

To Top