સુરત: વેલેન્ટાઈન ડે ને (Valentine’s Day) પ્રેમીઓનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજા પ્રત્યે પ્રેમનો એકરાર કરી સાથે જીવવા મરવાના કોલ આપતા હોય છે. પ્રેમીઓ માટે મહત્ત્વના આ દિવસે સુરતમાં એક પ્રેમી જોડું હંમેશ માટે છુટું પડી ગયું હતું. ત્રણ મહિના પહેલાં ઘરેથી ભાગીને પ્રેમ લગ્ન કરનાર યુવતીએ વેલેન્ટાઈન ડેના રોજ ફાંસો ખાઈ આપઘાત (Suicide) કરી લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બિહારના અને સુરતના (Surat) મોરા ગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પરિવાર સાથે રહેતો 22 વર્ષીય સુનિલ શાહ એલ એન્ડ ટી કંપનીમાં હેલ્પરની નોકરી કરે છે. સુનિલને તેના વતનમાં રહેતી 24 વર્ષીય વિજાંતીકુમારી સાથે પ્રેમસંબંધ હતો. દોઢ વર્ષથી બંને વચ્ચે પ્રેમ હતો.
દરમિયાન ત્રણ મહિના પહેલા સુનિલ વતનથી વિજાંતીને ભગાડી લાવ્યો હતો અને સુરતમાં પ્રેમ લગ્ન કર્યા હતા. વિજાંતીના પરિવારજનો આ લગ્નને સ્વીકારવા તૈયાર નહોતા. તેઓ વિજાંતીથી નારાજ હતા. તેથી વિજાંતી દુ:ખી રહેતી હતી. દરમિયાન ગઈકાલે તા. 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈનના દિવસે સવારે સુનિલ રોજની જેમ નોકરી પર ગયો હતો. ત્યારે ઘરે વિજાંતી એકલી હતી. સુનિલ સાંજે આઠ વાગ્યે ઘરે પાછો આવ્યો હતો. સુનિલે દરવાજો ખખડાવ્યો પરંતુ કોઈએ ખોલ્યો નહોતો.
કશુંક ખોટું બન્યું હોવાની આશંકા સાથે દરવાજો તોડી સુનિલ ઘરમાં પ્રવેશ્યો હતો. અંદરનું દ્રશ્ય જોઈ સુનિલના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. વિજાંતી પંખા સાથે ફાંસો ખાઈને લટકતી હાલતમાં હતી. પત્નીને લટકતી જોઈને સુનિલ આઘાતમાં સરી પડ્યો હતો. પાડોશીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે વિજાંતીના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.
ઈચ્છાપોર પોલીસના સૂત્રો અનુસાર હાલ તો વિજાંતીના પ્રેમ લગ્નના કારણે માતા-પિતા નારાજ હોવાથી આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.