ભરૂચ,અંકલેશ્વર: પવિત્ર ચૈત્ર નવરાત્રિ ચાલી રહ્યાં છે ત્યારે માતાજીનો પરમ ભક્ત માંડવીનો યુવક દેવમોગરા માતાજીના દર્શને ગયો હતો ત્યારે ડુંગર પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ડોક્ટરોએ તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. પરિવારે અંગદાનની પરવાનગી આપતા આ યુવક મોત બાદ ચારને નવું જીવન આપતો ગયો હતો.
માંડવીનો જયેશ પ્રજાપતિ માતાજીના દર્શન માટે દેવમોગરા ગયો ત્યારે કરૂણ ઘટના બની
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી ગામના રહેવાસી જયેશભાઇ પ્રજાપતિ (ઉ.વ.42) પોતે મિકેનિક ગેરેજ ચલાવતા હતા. દેવમોગરા માતાજીનાં દર્શન માટે ગયા હતા ત્યારે ત્યાં ડુંગર ઉપરથી અચાનક પડી જતાં તેમણે માથાના અંદરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત જયેશ પ્રજાપતિને ડેડીયાપાડાના CHC સેન્ટર પર લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી ડોક્ટરની સલાહ મુજબ ગંભીર પરિસ્થિતિમાં જયાબેન મોદી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા.
ડોક્ટર દ્વારા તપાસ કરતાં ખબર પડી કે જયેશ પ્રજાપતિનું બ્રેઇન ડેડ થયું છે. તા. 22મી માર્ચ બપોરે એક કલાકે આ જાણ થતાં હોસ્પિટલ દ્વારા ડોનેટ લાઈફ સંસ્થાને જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલના ન્યૂરોસર્જન ડો.જયપાલસિંહ ગોહિલ તેમજ આઇ.સી.યુના ડોક્ટરોની ટીમ દ્વારા સ્વ.જયેશભાઇના કુટુંબી જનોને અંગદાન માટે તૈયાર કરવામાં આવ્યા હતા.
ભાઈએ કહ્યું, મારો ભાઈ ધાર્મિક હતો..
જયેશના ભાઈ રમણભાઈએ જણાવ્યું કે, મારો ભાઈ ખૂબ જ ધાર્મિક હતો. અમે ખુબ જ સામાન્ય પરિવારના છીએ. અમે અમારા પરિવારનો જીવન નિર્વાહ મોટરકાર અને ટુ વ્હિલરનું રીપેરીંગનું કાર્ય કરીને કરીએ છીએ. જીવનમાં અમે કોઈ ચીજ વસ્તુઓનું દાન કરી શકીએ તેમ નથી. આજે મારો ભાઈ બ્રેઈનડેડ છે, શરીર બળીને રાખ જ થઈ જવાનું છે. ત્યારે તેના અંગોના દાન થકી અંગો નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો કેમ નહીં? અંગદાન માટે આગળ વધો. જયેશના પરિવારમાં તેની વૃદ્ધ માતા લીલાબેન અને બે ભાઈ રમણભાઈ અને શંકરભાઈ છે.
લીવર, કિડની, ફેંફસા તેમજ કોર્નિયાનું દાન કર્યું
પરિવારજનો અંગદાન માટે તૈયાર થતા લીવર , કિડની , ફેંફસા તેમજ કોર્નિયાનું દાન લેવામાં આવ્યું હતું. અંગદાન બાદ અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદની ઝાઈડસ હોસ્પિટલ તેમહ હૈદ્રાબાદની કે.આઈ.એમ.એસ. હોસ્પિટલની ટીમ અંહી ઉપસ્થિત રહી હતી. અંગદાનની કાર્યવાહી હોસ્પિટલના ડે.મેડિકલ સુપ્રિટેંડેંટ ડો. આત્મી ડેલિવાલાના માર્ગદર્શન તેમજ દેખરેખમાં હાથ ધરવામાં આવી હતી.
માંડવી નગરપાલિકાના પ્રમુખ રેખાબેન વશીએ કહ્યું કે માંડવીનો યુવાન દીકરો જયેશ પ્રજાપતિ બ્રેઈન ડેડ થતા પરિવારજનોએ હૃદય, લીવર, આંખ, ફેંફસા અને કીડની દાન કરીને ચાર લોકોને નવું જીવન આપતા સમાજને પ્રેરણા આપી છે.