નડિયાદ: કપડવંજમાં આવેલ પાનની દુકાનમાં કેફી માદક પીણાનું વેચાણ કરતાં શખ્શને પોલીસે બાતમીને આધારે પકડી પાડ્યો હતો. પોલીસે દુકાનમાંથી રૂ.૮૨૫૦ કિંમતનું કેફી માદક પીણું ભરેલી ૫૫ બોટલો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કપડવંજમાં ત્રિવેણી પાર્ક પાસે આવેલ કાકા પાન પેલેસ નામની દુકાનમાં કેફીપીણાં નું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી કપડવંજ ટાઉન પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે શુક્રવારના રોજ દરોડો પાડી દુકાનમાં બેઠેલાં સોએબભાઈ યુસુફભાઈ શેખ (રહે.ઘાંચીવાડા, મસ્જીદ પાસે, કપડવંજ) ની પોલીસે અટકાયત કરી હતી. જે બાદ દુકાનની તલાશી લેતાં તેમાંથી રૂ.૮૨૫૦ કિંમતની કેફી માદક પ્રવાહી ભરેલી ૫૫ બોટલો મળી આવી હતી. જે પોલીસે જપ્ત કરી હતી અને પકડાયેલાં સોએબભાઈ યુસુફભાઈ શેખ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.