અમદાવાદમાં તાજેતરમાં જ ૭ લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ ડ્રગ્સની હેરાફેરી કરનાર મુખ્ય સૂત્રધાર મુંબઈના મુસ્તાક ખાન પઠાણની અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના જેતલપુર પાસેથી ગત ઓગસ્ટ મહિનામાં ૭ લાખની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોને મોકલ્યો હતો ? તેની તપાસ કરતા આ એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈ થી મુસ્તાકખાન પઠાણ નામના શખ્સે મોકલ્યો હોવાની હકીકત બહાર આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુંબઈ જઈને સ્થાનિક પોલીસની મદદથી મુંબઈના ત્રિવેણીનગર ખાતે રહેતા મુસ્તાકખાન પઠાણની તેના ઘરેથી ધરપકડ કરી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. તેની પ્રાથમિક પૂછપરછમાં અગાઉ અમદાવાદમાં મોકલેલો એમડી ડ્રગ્સનો જથ્થો તેણે જ સપ્લાય કર્યો હોવાની કબુલાત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.