Charchapatra

યુધ્ધખોર માણસ

રશિયા અને યુક્રેન વચ્ચે હાલમાં ચાલી રહેલા યુદ્ધ અને હવે ઇઝરાઇલ પેલેસ્ટાઈનનું યુદ્ધ એની ચરમસીમાએ પહોંચ્યું છે અને નજીકના ભવિષ્યમાં યુદ્ધ સમાપ્ત થાય તેવું દેખાતું નથી. બીજા વિશ્વયુદ્ધમાં લગભગ આઠ કરોડ લોકો માર્યા ગયાં હતાં તેમાં ત્રણ કરોડ સૈનિકો અને પાંચ કરોડ નિર્દોષ નાગરિકોનાં મોત થયાં હતાં. તે સમયે યુદ્ધ ક્યારેય અટકવાનું ન હોય તેવું
લાગતું હતું. જાપાન શરણે ન આવતાં અને યુધ્ધ ચાલુ રાખતાં આખરે અમેરિકાએ જાપાન પર હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંકયા હતા. આ અણુ હુમલામાં લાખો જાપાની નાગરિકોનાં દર્દનાક મોત થયાં હતાં અને જાપાને અણુબોમ્બથી અને તેના રેડિયેશનથી થયેલી ખુવારી જોઈ યુદ્ધવિરામ કરી શરણે આવતાં જ બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો.

હાલમાં ચાલી રહેલું યુદ્ધ પણ શું અણુ હુમલાના વિનાશ પછી જ અટકશે? યુધ્ધો અનાદિ કાળથી લડાતાં રહે છે. સત્તાની લાલસામાં એક દેશ જ્યારે બીજા દેશ પર હુમલો કરે છે ત્યારે ભયાનક યુદ્ધ શરૂ થાય છે અને તેનાથી યુધ્ધ લડનાર દેશોનો અને ખાસ કરીને નાગરિકોનો અને તેનાં મકાન સંપત્તિનો જ વિનાશ થાય છે. ભૂતકાળમાં પણ યુદ્ધો થતાં હતાં અને વર્તમાનમાં પણ યુદ્ધ થતાં રહે છે અને ભવિષ્યમાં પણ યુદ્ધ થતાં રહેશે કારણ કે માનવ જાતનો ઇતિહાસ તપાસીએ તો દેવ-દાનવથી લઈ આજ સુધીનો માણસ યુદ્ધખોર જ રહ્યો છે. શું લડાઈ માણસના DNAમાં જ છે? જો એમ હોય તો ડીએનએ જન્મજાત હોય છે. તે કદી બદલાવાના નથી અને તેથી જ દુનિયામાં ભૂતકાળની જેમ કયાંક ને કયાંક લડાઈ ચાલતી જ રહેશે
સુરત     – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

લોકશાહી માટે સારું
ચર્ચાપત્રમાં અને પૂર્તિમાં બાપુના વિચારોના સમર્થનમાં અને વિરોધમાં જે વિચારો પ્રગટ થાય છે તે લોકશાહી સરકાર માટે સારું કહેવાય છે. સુવિચારમાં કહેવાયું છે ને તાકાત તમારી તમારા વિચારોમાં રાખો, અવાજમાં નહિ. સૂરદાસ અંધ હતા, છતાં તેમણે ભક્ત કવિ તરીકે કીર્તિ પ્રાપ્ત કરી છે.  પુષ્ટિ સંપ્રદાયના અષ્ટછાપ કવિવૃંદમાં શ્રી સૂરદાસજીનું સ્થાન અનોખું અનેરું અદ્વિતીય અને અલૌકિક છે. તેઓ પુષ્ટિ સંપ્રદાયની અણિશુધ્ધ વિચાર ધારાના વટવૃક્ષની છાંયમાં પાંગરેલા છે.  તેઓના ગુણગાન ગાઈએ તો પણ અધૂરા રહે, જન્મથી અંધ તેમના અંતરચક્ષુ ઉઘડેલાં હતાં. તેઓ અંતરસ્થ થઈને બધું જાણી શકતા હતા. આ ત્રિકાળદર્શી અને ભવિષ્યવેત્તાને પ્રભુનું અલૌકિક પ્રદાન હતું.
સુરત     – જીવણભાઈ મીઠાભાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top