એક દિવસ એક શિષ્યે ગુરુજીને એક પ્રશ્ન પૂછ્યો, ‘ગુરુજી જીવનમાં સૌથી વધારે જરૂરી શું છે?’
ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘સૌથી વધારે જરૂરી છે તમારે માણસ જેવા માણસ બનવું અને દરેક માણસને બારીકાઈથી ઓળખવો.માણસને ઓળખવો બહુ અઘરો છે કારણ કે દરેક માણસ પોતાના મોઢા પર એક મુખવટો પહેરી રાખે છે એટલે તેને કોઈ ઓળખી શકતું જ નથી કે તે સાચે કેવો છે.હું અહીં દરેક માણસની વાત કરું છું એટલે એમાં તમે અને હું બધા જ સામેલ છીએ.’
શિષ્યો ગુરુજીની વાત એકધ્યાનથી સાંભળી રહ્યા હતા.એક શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, આ માણસ કેવો છે તે કઈ રીતે જાણી શકાય?’ ગુરુજી બોલ્યા, ‘માણસને ઓળખવાનો સચોટ કોઈ રસ્તો મારી પાસે નથી.ઘણી વાર વર્ષો સાથે રહ્યા છતાં માણસને પૂરેપૂરો ઓળખી શકતો નથી.’ બીજા શિષ્યે પૂછ્યું, ‘તો શું કરવું ગુરુજી?” ગુરુજી બોલ્યા, ‘સૌથી પહેલાં આપણે પોતે બને એટલા સાચા અને સારા માણસ બનવાની કોશિશ કરવી.આપણે જે માણસોને મળીએ તેમને દિલ ખોલીને પોતાના કરવા, પણ સાથે સાથે સજાગ પણ રહેવું. કોઈ પર ક્યારેય આંધળો વિશ્વાસ ન કરવો અને અવિશ્વાસ પણ ન દાખવવો કારણકે માણસ જુદા જુદા વ્યક્તિ સાથે અને જુદા જુદા સમયે અને જુદા જુદા સંજોગોમાં જુદું જુદું વર્તન કરે છે એમ માનસશાસ્ત્ર કહે છે, એટલે તમે મારી આ સલાહ હંમેશા ગાંઠ બાંધી લેજો.’
બધા ગુરુજી આગળ શું સલાહ આપશે તે જાણવા આતુર બન્યા.ગુરુજી બોલ્યા, ‘ શિષ્યો, દુનિયામાં એવો કોઈ માણસ નથી જે સંપૂર્ણ રીતે સારો જ હોય ,જેનામાં કોઈ ખરાબી ન હોય ,કોઈ અવગુણ ન હોય માટે કોઈ માણસને એકદમ સારો ગણીને તેની પર ઓળઘોળ ન થઈ જવું.માણસને સારો અને માત્ર સારો ગણી તેના ગુણગાન ગાવામાં અને તેના માન સન્માનમાં આપણો સમય ન બગાડવો અને હવે બીજી બાજુ દુનિયામાં એવો કોઈ ખરાબ માણસ નથી, જેનામાં બધું જ ખરાબ હોય, કશું જ સારું ન હોય.બધા જ અવગુણો જ હોય, ખરાબ માણસમાં પણ કોઈ ગુણ છુપાયેલો હોય જ છે એટલે કોઈને ખરાબ ગણી તેનું અપમાન ન કરવું અને ખાસ વાત માણસ ખરાબ છે કે સારો તે પણ સાંભળેલી કોઈની વાતો પરથી નક્કી ન કરવું.સમય ..અનુભવ અને અવલોકન પરથી જાતે નક્કી કરવું.સારા સાથે સારું અને ખરાબ સાથે ખરાબ એવું વર્તન પણ ન કરવું. તમારે તમે જેવા છો તેવું જ વર્તન બધા સાથે કરવું.’ ગુરુજીએ માણસો વિષે ગહન વાત સમજાવી.