સુરત: સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા એક પરિવારને નોકરાણી પર વિશ્વાસ કરવો ભારે પડ્યો છે. મહિને રૂપિયા 22 હજારનો પગાર આપ્યો, રહેવા માટે રૂમ અને બે ટાઈમનું જમવાનું આપતા હતા છતાં નોકરાણીએ આ પરિવાર સાથે વિશ્વાસઘાત કર્યો છે. રાત્રે પરિવાર સૂતો હતો ત્યારે બીજા રૂમમાં બિરાવત દંપતીના બે મહિનાના બાળકને લઈને સૂતેલી નોકરાણી સવારે ગાયબ થઈ ગઈ હતી. બાળકનો રડવાનો અવાજ આવ્યો ત્યારે દંપતી રૂમમાં તપાસ કરવા ગયું અને તેમના પગ તળેથી જમીન સરકી ગઈ.
- સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા મોનાલીસા પાર્કમાં નોકરાણીએ કરી ચોરી
- પાંડેસરાની રેનેસિલ્ક મિલના માલિકના ઘરમાં 9.70 લાખના મુદ્દામાલની ચોરી
- બિરાવત દંપતીએ ત્રણ મહિના પહેલાં Kaamwalijobs.com પરથી મૂળ રાજસ્થાનની નોકરાણીને કામ પર રાખી હતી
- રાત્રે બિરાવત દંપતીના બે મહિનાના દીકરાને લઈને રૂમમાં સૂતેલી નોકરાણી સવારે લાખોના ઘરેણાં અને રોકડા લઈ ભાગી ગઈ
આ કેસની મળતી વિગત અનુસાર ચિરાગ પ્રદીપકુમાર બિરાવત (ઉં.વ. 32) સિટીલાઈટના મોનાલીસા પાર્કમાં રહે છે અને પાંડેસરા જીઆઈડીસીમાં રેનેસિલ્ક નામની કાપડની મિલ ચલાવે છે. પરિવારમાં પત્ની શીની તથા બે સંતાન અમાયા (ઉં.વ. 14) અને છોકરો અરહમ (2 મહિના) છે. અરહમ નાનો હોય પ્રદીપ બિરાવતે Kaamwalijobs.comના માધ્યમથી એક નોકરાણી શોધી તેને ઘરકામ તથા બાળકને સાચવવા માટે ત્રણ મહિના પહેલાં રાખી હતી. મૂળ રાજસ્થાનની સીમરન સુનિલકુમાર બાઠીયા નામની આ નોકરાણીને પ્રદીપ બિરાવત મહિને 22 હજારનો પગાર ચૂકવતા હતા. પોતાના ફ્લેટમાં જ એક રૂમ રહેવા માટે આપ્યો હતો. તેનું મુખ્ય કામ બાળક અરહમને સાચવવાનું હતું.
દરમિયાન સોમવારની રાત્રે સીમરન અરહમને લઈને રૂમમાં સૂતી હતી. સવારે અરહમનો રડવાનો અવાજ આવતા બિરાવત દંપતી તે રૂમમાં ગયા ત્યારે ત્યાં સીમરન નહોતી અને બેડ પર સામાન વેરવિખેર પડ્યો હતો. તપાસ કરતા કબાટમાંથી રોલેક્સ વોચ, રૂદ્રાશના 54 પારાની ગોલ્ડની માળા તથા 2.70 લાખ રોકડા ગાયબ હતા. સીસીટીવી ફૂટેજ ચેક કરતા સીમરન પ્લાસ્ટિકની થેલીમાં કંઈ છુપાવીને જતી નજરે પડી હતી. વધુ તપાસ કરતા કુલ 9.70 લાખનો મુદ્દામાલ લઈ સીમરન ભાગી ગઈ હોવાનું ધ્યાન પર આવ્યું હતું. સીમરને ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આથી પ્રદીપ બિરાવતે નોકરાણી વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.