SURAT

પ્રેમીએ સોશ્યલ મિડિયા પર પ્રેમિકાનો ફોટો વાયરલ કરી દેતા આવું થયું, સુરતની ઘટના

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની પુત્રીએ પોતાના ઘરમાં એસિડ પી લેતાં ચકચાર મચી ગઈ છે. સગીરાને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રેમી દ્વારા તેણીના ફોટા ઇન્સટાગ્રામ ઉપર વાયરલ કરી સમાજમા બદનામ કરવામાં આવતા હતાશ થયેલી સગીરાએ આ પગલું ભરી લીધું હતું. પાંડેસરા પોલીસે આરોપી પ્રેમીની અટક કરી લીધી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બમરોલી વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાએ ગઈ તા. 15મી માર્ચના રોજ બપોરે ઘરે એસિડ પી લીધું હતું, જેના લીધે તેની તબિયત બગડી હતી. પિતા સહિત પરિવારજનોએ તાત્કાલિક સગીરાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી.

આ બનાવમાં પાંડેસરા પોલીસ મથકમાં આરોપી પ્રદિપ રામજાગીર યાદવ (રહે-ઉમીયાનગર પાંડેસરા ) વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદની વિગત એવી છે કે આરોપી પ્રદિપ યાદવે પાંચેક મહિના પહેલા સગીરા ટયુશને આવતી જતી હોય ત્યારે તેનો પીછો કરતો હતો. આ રીતે પ્રદિપે સગીરા સાથે મિત્રતા કરી લીધી હતી. પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ આરોપીએ પોતાના મોબાઇલમાં અનિતા સાથે સેલ્ફી લીધેલી હતી.

ગઈ તારીખ 15મીએ આરોપી પોતાની સાથે સગીરાને ગાર્ડનમાં ફરવા માટે આવવા માટે કહ્યું હતું પરંતુ સગીરાએ જવાની ના પાડતા આરોપીએ તેણીને બદનામ કરવાના ઇરાદે તેની સાથે પાડેલા ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને સોશ્યલ મીડીયામાં વાયરલ કરી સમાજમાં બદનામી કરતા સગીરાએ એસીડ પી લીધું હતું.

ધો. 10માં ભણતી સગીરાની હાલમાં બોર્ડ એક્ઝામ ચાલતી હતી પરંતુ આ ઘટનાને કારણે તેણીના બે પેપરો પણ મિસ થઇ ગયા હતા. પાંડેસરા પોલીસે આરોપી પ્રદીપ યાદવ વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધી તેની અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top