Sports

ફ્રેન્ચ ઓપનની શરૂઆત અને તેના ઇતિહાસ પર એક નજર

હાલમાં પેરિસ ખાતે આવેલા રોલાં ગેરોસ ખાતે ક્લે કોર્ટ પર ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ રમાઇ રહી છે. સેમીફાઇનલ સુધી પહોંચી ગયેલી 2023 ફ્રેન્ચ ઓપન એ 127મી ટુર્નામેન્ટ અને 93મી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે. આ વખતે ફ્રેન્ચ ઓપનમાં ભારતના 8 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અંકિતા રૈના, રોહન બોપન્ના, યુકી ભામ્બરી, સાકેથ માયનેની, જીવન નેદુનચેઝિયાન, એન. શ્રીરામ બાલાજી, યુવા નંદલ અને આર્યન શાહનો સમાવેશ થાય છે. અહીં આપણે જાણીશું કે ફ્રેન્ચ ઓપનની શરૂઆત ક્યાંથી થઇ અને આ ટૂર્નામેન્ટનો ઇતિહાસ શું છે.

ફ્રેન્ચ ઓપન શું છે?
ફ્રેન્ચ ઓપન પેરિસના સ્ટેડિયમ રોલાં ગેરોસ ખાતે યોજાય છે. આ વાર્ષિક ટુર્નામેન્ટનું આયોજન ફ્રેન્ચ ટેનિસ ફેડરેશન દ્વારા કરવામાં આવે છે. તે એક પ્રીમિયર ક્લે કોર્ટ ચેમ્પિયનશિપ છે અને હાલમાં ક્લે કોર્ટ પર યોજાતી એકમાત્ર ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ છે. ફ્રેન્ચ ઓપન એ ટેનિસની ચાર ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટોમાંની એક છે, તેના સિવાયની બાકીની ત્રણ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપન છે.

ફ્રેન્ચ ઓપનનો ઈતિહાસ
ફ્રેન્ચ ઓપનની શરૂઆત 1891માં થઈ હતી. પણ તે એક દિવસની હતી. 1928 સુધી તેની ઘટના માટે કોઈ નિશ્ચિત સ્થળ નહોતું. ફ્રેન્ચ ઓપનનું નામ પણ પ્રથમ વિશ્વયુદ્ધમાં ફ્રેન્ચ એવિએટર રોલાં ગેરોસના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તે દિવસોમાં માત્ર ફ્રેન્ચ ખેલાડીઓને જ ટુર્નામેન્ટમાં રમવાની છૂટ હતી. ફ્રેન્ચ ઓપન આજે આપણે જોઈએ છીએ તે 1925 માં શરૂ થઇ હતી અને ત્યારથી તે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને સમાવવા માટે વિસ્તૃત કરવામાં આવી હતી. 1928માં ફ્રેન્ચ ઓપનનું સ્થળ પણ રોલાં-ગેરોસ ખાતે નક્કી કરવામાં આવ્યું હતું.

કયા ખેલાડીઓનું પ્રભુત્વ?
રાફેલ નડાલ પુરુષોમાં ફ્રેન્ચ ઓપનનો વર્તમાન ચેમ્પિયન છે. 2022 માં, તેણે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં કેસ્પર રુડને હરાવીને ટૂર્નામેન્ટ જીતી હતી. જે નડાલનું 14મું ફ્રેન્ચ ઓપન ટાઇટલ હતું, જે ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં કોઇપણ ખેલાડી માટેનો રેકોર્ડ હતો. મહિલાઓમાં, ફ્રેન્ચ ઓપનની વર્તમાન ચેમ્પિયન ઇંગા સ્વીટેક છે. ક્રિસ એવર્ટ મહિલાઓમાં સૌથી વધુ ફ્રેન્ચ ઓપન જીતનાર ખેલાડી છે, તેણે કુલ 7 ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીત્યા છે. ટેનિસની રમતમાં મોટું નામ ધરાવતા રોજર ફેડરર પણ એક વખત ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીતી ચૂક્યો છે અને નોવાક જોકોવિચ પણ એક વખત ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીતી ચૂક્યો છે.

ઈનામની રકમ કેટલી છે?
ફ્રેન્ચ ઓપન 2023 ની કુલ ઈનામી રકમ લગભગ રૂ. 438.3 કરોડ છે, જે 2022 ની સરખામણીમાં 12.3% વધારે છે. પુરૂષ અને મહિલા સિંગલ્સ ચેમ્પિયન માટે ઈનામની રકમ રૂ. 17.7 કરોડ છે, જ્યારે રનર્સ-અપને રૂ. 8.85 કરોડ મળશે. જ્યારે સેમિ-ફાઇનલિસ્ટને રૂ. 4.85 કરોડ, ક્વાર્ટર-ફાઇનલિસ્ટને રૂ. 3.08 કરોડ, રાઉન્ડ 4માં પ્રવેશનારને રૂ, 1.84 કરોડ, રાઉન્ડ 3માં પ્રવેશનારને રૂ. 1 કરોડ, રાઉન્ડ 2માં પ્રવેશનારને રૂ. 74 લાખ અને રાઉન્ડ 1માં રમનારને રૂ. 53.1 લાખ આપવામાં આવશે.

Most Popular

To Top