અમદાવાદ: અમદાવાદની સિમ્સ હોસ્પિટલ નજીક તા. 1 માર્ચ બુધવારની રાત્રે 9.45 કલાકે હિટ એન્ડ રનની ઘટના બની છે. બીએમડબ્યુ કારના ચાલકે એક દંપતિને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ કાર ચાલક ભાગી છૂટ્યો હતો, તેની કાર ઘટના સ્થળથી દોઢ કિલોમીટર દૂર મળી આવી હતી. કારમાંથી દારૂની બોટલો તેમજ ભાજપનો ખેસ મળી આવ્યો હતો. એક પાસબુક પણ મળી હતી, જેની પર સત્યમ શર્મા નામ લખેલું હતું. આ અકસ્માતમાં દંપતિને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બીએમડબ્લ્યુ કાર નં. જીજે-01-કેવી-1008 નંબરની કારના ચાલકે ફૂલસ્પીડે કાર હંકારીને દંપતિને અડફેટે લીધા હતા. આ બનાવમાં દપંતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકારચાલક ઘટના સ્થળથી દોઢ કિલોમીટર દૂર કાર મુકી ભાગી છૂટ્યો હતો.
જે દંપતિને ઈજા થઈ છે તેઓ સોલાના વેદાંત શ્રીજી લિવિંગ હોમના રહેવાસી છે. અમિત દેવકી નંદન સિંઘલ (ઉં.વ. 44) અને તેમના પત્ની મેઘાબેન અકસ્માતનો ભોગ બન્યા છે. મીતભાઈને જમણા પગે ઘુટીના ભાગે ફ્રેક્ચર થયું છે. તો સાહેદ મેઘાબેનને ડાબા પગે ઘુટણના ભાગે ફ્રેક્ચર થયું છે. તેમજ તેમના થાપાના ભાગે ઈજાઓ પહોચીં છે. કારમાંથી દારૂની અડધી બોટલ મળી આવી હોય દારૂના નશામાં કારચાલકે અકસ્માત કર્યો હોવાની આશંકા પોલીસ વ્યક્ત કરી રહી છે. જોકે, આ કારની ફ્રન્ટ સીટ પર ભાજપનો ખેસ મળી આવ્યો હોય પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
કાર સત્યમ શર્મા નામનો માલેતુજાર પરિવારનો દીકરો ચલાવતો હતો. જેની ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. તો અકસ્માત પહેલાં સ્પીડનો વીડિયો પણ બનાવ્યો હતો. કારમાંથી સત્યમ શર્મા નામના વ્યક્તિની પાસબુક મળી આવી હતી. વગદાર માલેતુજાર પરિવાર ગાયબ થઈ ગયો હોવાની વિગતો પણ સાંપડી છે.