એક એકદમ ગરીબ વ્યક્તિ હતી. ઘરમાં અનાજનો દાણો ન હતો. ત્રણ દિવસથી તેની પત્નીએ કંઈ ખાધું ન હતું.રસ્તામાં રાજાની સવારી પસાર થતી હતી અને તે સવારીની સામે જ તે માણસ ભૂખને કારણે બેભાન થઈ પડ્યો અને રાજાની સવારી અટકી ગઈ. રાજાને જાણીને ખૂબ દુઃખ થયું કે મારા રાજ્યમાં આટલી ગરીબી કે કોઈ માણસે કંઈ જ ખાધું ન હોવાને લીધે બેભાન થઇ જાય. પેલા માણસને પાણી છાંટી ભાનમાં લાવવામાં આવ્યો, પછી રાજાએ તેને કહ્યું, ‘ચલ, તું મારા મહેલમાં અને સૂર્યાસ્ત સુધી તારાથી જેટલું લઇ જવાય એટલું ધન લઇ જજે.’
માણસ રાજી થતો મહેલમાં ગયો.મહેલની રોનક જોઇને તે અવાચક થઇ ગયો.તેણે રાજાજી સામે હાથ જોડી કહ્યું, ‘રાજાજી,ત્રણ દિવસથી પેટમાં અનાજનો દાણો નથી ગયો અને કેટલાય દિવસો થયા ભરપેટ બે ટંક તો જમ્યો જ નથી. મારામાં શક્તિ જ નથી કે હું ખજાનામાંથી ધન લઇ જઈ શકું.’ રાજાએ માણસની વાત સાંભળી પહેલાં તેને ભોજન કરાવવાનો હુકમ કર્યો.મહેલના એક કક્ષમાં તેની સામે રાજાશાહી ભોજન આવ્યું.આટઆટલા પકવાન તેણે જોયા જ ન હતા.માણસે ભરપેટ ભોજન કર્યું.ઘણા દિવસે તેના પેટમાં ખોરાક ગયો અને વધારે પડતું ખવાઈ ગયું એટલે હજી તો સૂર્યાસ્તને વાર છે તેમ ગણી તે જરાક આરામ કરવા સૂતો. મખમલની તળાઈમાં તે કોઈ દિવસ સૂતો ન હતો અને પેટ આટલું ભરેલું હતું એટલે તેની આંખો લાગી ગઈ અને તે કલાકો સૂઈ રહ્યો.
ઊઠ્યો ત્યારે બસ સૂર્યાસ્ત થવાની તૈયારીમાં જ હતો. તે દોડ્યો અને ખજાનામાંથી હીરા અને ઝવેરાત લેવાનું વિચારતો હતો ત્યાં તેના કાને મીઠું સંગીત પડ્યું અને તેણે તે કક્ષમાં જોયું. ત્યાં રાજ નર્તકીઓ નૃત્ય કરી રહી હતી. માણસ મોહાઈ ગયો અને આકર્ષીને નૃત્ય જોવામાં ખોવાઈ ગયો.સમય ક્યાં પસાર થયો તેની ખબર જ ના પડી. બસ અંધારું થઇ ગયું અને તે ખજાનામાંથી કંઈ લઈ ન શક્યો.સમય હાથમાંથી સરી ગયો અને સાવ ખાલી હાથ જ રહ્યો. આ સાવ નાની વાત એક સરસ સબક સમજાવે છે. આપણે બધા આ માણસ જેવા જ છીએ અને આખું જીવન મળ્યું છે સારા કામ કરવા, પુણ્યનું ભાથું બાંધવા અને હરિને ભજવા,પરંતુ પછી કરીશું, પછી કરીશું, કરવામાં અને જગતની મોહમાયાનાં અનેક બંધનોમાં આપણે સમય વેડફી દઈએ છીએ અને જીવનનો અંત સમય આવી જાય છે અને હાથ અને કર્મ અને પુણ્યનું ભાથું ખાલી રહી જાય છે.જાગી જાવ અને સાચા ઝવેરાતને ભેગું કરવામાં લાગી જાવ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.