ઝઘડિયા: ઝઘડિયાના (Jhaghdiya) જુનાપોરા ગામે એક મકાનના વાડા નજીક બે દિવસથી લટાર મારતો દીપડો (Leopard) દેખાઈ દેતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જો કે કોઈક હિંમતવાન વ્યક્તિએ દીપડો નજરે પડતાં વીડિયો (Video) ઉતારી લીધો હતો. હાલમા જ વણખુટામાં માસુમ બાળકને ફાડીને ખાધાની ઘટના બની હતી. જેના કારણે લોકો દીપડાની હાજરીથી થરથર કાંપી ઉઠ્યા છે.
- વણખુટા વિસ્તારમાં માસૂમ બાળકને ફાડીને ખાદ્યા બાદ સ્થાનિકો વન્ય પ્રાણીથી ભયના ઓથાર કાંપે છે.!
- ઝઘડિયામાં તાલુકામાં લાંબા સમય બાદ દીપડાઓની વસ્તીમાં વધારો જોવા મળી રહ્યો છે
જો કે, જૂનાપોરા ગામે દીપડો દેખાતાં ગામના અગ્રણી અક્ષયભાઈ વસાવાએ આ બાબતે ઝઘડિયા વન વિભાગને જાણ કરી હતી. જેને લઈને હરકતમાં આવેલા વન વિભાગે બુધવારે મારણ સાથે પાંજરૂ ગોઠવ્યું હતું. ત્યારબાદ ગણતરીનાં કલાકોમાં બુધવારે મધરાત્રે 11 વાગ્યે દીપડો પાંજરે પુરાઈ ગયો હતો. જેને લઈને લોકોની ઉચાટથી રાહત થઈ હતી.
દીપડો પાંજરે પુરાતા વનવિભાગ ઝઘડિયા દ્વારા દીપડાને વનવિભાગ કચેરીએ લાવવામાં આવ્યો હતો. જ્યાં પાંજરે પુરાયેલી સવા વર્ષની દીપડી હોવાની માહિતી જાણ થઈ હતી. જો કે, વન વિભાગ દ્વારા આ દીપડીને ખોરાક અને પાણી મળે એવા સલામત સ્થળે છોડાશે તેવી માહિતી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય એ છે કે, ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી દીપડાઓની વસ્તીમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ હાલમાં વણખુટા ગામે માનવભક્ષી દીપડાએ નવ વર્ષના માસૂમ બાળકને ફાડી ખાતા સ્થાનિક પ્રજા ભયભીત બની ગઈ છે. જેને લઈને આ વિસ્તારમાં એકલા ખેતરોમાં કામે જતાં લોકોમાં ગભરામણ માહોલ નિર્માણ થયો છે.
હિંસક અને ખૂંખાર દીપડાએ ખેંચી જતા તેની લાશ મળી
એક અઠવાડિયા પહેલા જ આધ્યાત્મિક ગામ વણખુટા ગામે માસુમ બાળકને દીપડાએ ફાડી ખાતા માતમ છવાઈ ગયો હતો. નેત્રંગ તાલુકાના વણખુટા ગામે કુદરતી હાજતે ગયેલા નવ વર્ષના માસૂમ બાળકને હિંસક અને ખૂંખાર દીપડાએ ખેંચી જતા તેની લાશ મળી આવી હતી. મોતને ભેટેલા બાળકની એક દોઢ કિમીના અંતરે ફાડી ખાધેલી હાલતમાં વિકૃત લાશ મળી હતી.
સાતપુડા પર્વતમાળામાં આવેલા વણખુટા ગામે એક અઠવાડિયા પહેલા નવ વર્ષીય સેલૈયાકુમાર દેવેન્દ્રભાઈ વસાવા સાંજે 6 વાગ્યાના અરસામાં કુદરતે હાજતે ઘરથી થોડે દૂર ગયો હતો. આ ક્ષેત્રમાં દીપડાની મૌજુદગી હતી. સેલૈયા વસાવા પર હિંસક દીપડાએ હુમલો કરી તેને ફાડી ખાધો હતો. મોડે સુધી સેલૈયા ઘરે પરત ન આવતાં પરીજનો તેને શોધવા નીકળ્યા હતાં. એકાદ કિલોમીટર દૂર તેની લાશ વિકૃત હાલતમાં મળી હતી. ગ્રામજનો દ્વારા નેત્રંગ પોલીસને આ બાબતની જાણ કરાઈ હતી. વન વિભાગ દ્વારા આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ મારણ સાથે પાંજરું મુકવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.