ઘેજ: ચીખલી તાલુકાના ફડવેલ ગામે નાગજી ફળિયા જતા મુખ્યમાર્ગ ઉપર મોટરસાયકલ સવાર વીજકંપનીના કર્મચારી ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. આ જ સમયે અન્ય બે લોકોએ પણ દીપડાને જોતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
- આ જ સમયે અન્ય બે લોકો સામે પણ દીપડો ઘુરક્યો
- ચીખલી તાલુકાના ઘણા ગામોને દીપડાએ માથે લેતા લોકોમાં દહેશતનો માહોલ
ચીખલી તાલુકામાં દીપડાએ છેલ્લાં કેટલાક દિવસોથી હાહાકાર મચાવી દીધો છે. આ દરમ્યાન રાત્રે આઠેક વાગ્યાના અરસામાં ફડવેલ ગામના નાગજી ફળિયા મુખ્યમાર્ગ ઉપરથી મોટરસાઇકલ પર નવા ફળિયા પોતાના ઘરે જઇ રહેલા વ્યારા વીજ કંપનીની કચેરીના સ્ટોર ક્રીપર જગદીશભાઈ ખુશાલભાઈ પટેલ ઉપર દીપડો ધસી આવી ગાર્ડ સાથે અથડાયા બાદ પગમાં પંજો મારતા પેન્ટ પણ ફાટી ગયું હતું.
જોકે, તેમનો આબાદ બચાવ થયો હતો આ દરમ્યાન આ માર્ગ પરથી પસાર થતા સાદડવેલ સોનારીયાના ઉમેશ આહિર તથા ધોલી ફળિયાના ક્રિષ્ના પટેલ ઉપર પણ દીપડો ઘુરક્યો હતો. બનાવ અંગેની જાણ તાલુકા સભ્ય મહેશભાઈ, પૂર્વ સરપંચ હરિશભાઈએ કરતા વનવિભાગના સ્ટાફે પહોંચી પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી. ચીખલી તાલુકાના ઘણા ગામોને દીપડાએ રીતસર માથે લેતા લોકોમાં દહેશતનો માહોલ સર્જાયો છે.
માંડવીના સાલૈયા ગામે ફરી કદાવર દીપડો પાંજરે પુરાયો: ગ્રામજનોને રાહત
માંડવી: માંડવીના સાલૈયા ગામે અવરનવર દીપડો દેખાતાં ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતાં તા.15 ઓક્ટોમ્બરે મોડી રાત્રે શિકારની લાલચમાં પાંજરે પુરાયો હતો. બાદ આ વિસ્તારમાં દીપડો લટાર મારતો હોવાની ચર્ચાએ વન વિભાગે મારણ સાથે તાત્કાલિક મારણ સાથે પાંજરું ગોઠવતાં બુધવારે વહેલી સવારે દીપડો પાંજરામાં કેદ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવીના સાલૈયા ગામે રહેતા અશ્વિનભાઈ રામુભાઈ ચૌધરી તથા દિલીપભાઈ છોટુભાઈ ચૌધરીનાખેતરની પાળ પાસે પાલતું શ્વાનનાં અવશેષો મળી આવતાં ફરી મારણ સાથે પાંજરું ગોઠવતાં ચાર દિવસમાં બીજો દીપડો પાંજરામાં કેદ થયો હતો. જે અંગે વન વિભાગને જણાવતાં પાંજરે પુરાયેલા દીપડાનો કબજો લઈ ખોડંબા ખાતે લઈ જવાયો હતો. જેને ગાઢ જંગલમાં છોડવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા.15 ઓક્ટોબરના રોજ ચાર દિવસ પહેલાં આ જ જગ્યાએ શિકારની લાલચમાં આવતાં કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. જેના ત્રણ-ચાર દિવસના અંતરમાં હિંસક બે દીપડા પાંજરે પુરાયા હતા.
પાણેથામાં ઘરમાંથી દીપડાનું બચ્ચું મળ્યું
ભરૂચ: ઝઘડિયાના પાણીથા વિસ્તારમાંથી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા વાઈલ્ડ લાઈફ ટીમ સહિત વન વિભાગે મોબાઈલ પ્રેસ કરી શિડ્યુલ-૧ જીવતું દીપડાનું એક બચ્ચું શોધી કાઢ્યું હતું. સમગ્ર ઘટનામાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. તો વડોદરાના મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો હતો.
વાઈલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો મુંબઈ, ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા વડોદરાની ટીમ સહિત ભરૂચ જિલ્લા વન વિભાગ DFO રઘુવીરસિંહ જાડેજાને ગત તા.૧૭ ઓક્ટોબરે ઝઘડિયાના પાણેથા ગામે ગૌતમ સૂર્યકાંત પાદરિયાના ઘરે દીપડાનું બચ્ચું હોવાની બાતમી મળતાં RFO એમ.કે.પરમાર સહિત ૧૭ જણાની ટીમ સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.
જેમાં ગૌતમભાઈના ઘરેથી દીપડાનું જીવતું એક બચ્ચું મળી આવ્યું હતું. આરોપીની ધરપકડ સાથે તપાસ કરતાં હરેશ પાટણવાડિયા પણ સામેલ હોવાથી તેની પણ ધરપકડ કરાઈ હતી. સઘન પૂછપરછમાં મુખ્ય આરોપી વડોદરાના પાણીગેટના ઇરફાન પણ સામેલ છે. જેની વડોદરામાં તપાસ કરતાં મળ્યો ન હતો.