Gujarat

નડિયાદમાં પતંગ બનાવવાના કાગળની રીમ ચોરનાર પકડાયો

નડિયાદ: નડિયાદમાં પતંગ બનાવવની દુકાનમાં મજુરીકામ કરતો ઈસમ રાત્રીના સમયે તે જ દુકાનમાંથી પતંગ બનાવવાના કાગળોની રીમ ની ચોરી કરતો હતો. જોકે બુધવારે વહેલી સવારે દુકાનનું શટલ ખોલી ચોરી કરવા જતાં તે રંગેહાથે ઝડપાઈ ગયો હતો. તેણે છેલ્લાં ચાર મહિના દરમિયાન અંદાજે એક લાખ કરતાં વધુ કિંમતના રીમ ની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદના સલુણ બજાર વિસ્તારમાં આવેલ ગાજીપુરવાળામાં રહેતાં સફીમીયાં મુસ્તુફામીયાં મલેક પતંગ બનાવવાનો વ્યવસાય કરે છે. તેઓ પોતાના ઘર નજીક આવેલ એક દુકાનમાં પાંચ માણસોને રાખી ઓર્ડર મુજબ પતંગો બનાવે છે.

પતંગો બનાવવા માટે તેઓએ પોતાની દુકાનમાં અલગ-અલગ કંપનીની છાપવાળી કાગળની રીમો નો સ્ટોક કરી રાખ્યો છે. દરમિયાન ગત બુધવારના રોજ વહેલી સવારના સમયે તેમની દુકાનમાં પતંગ બનાવવાની મજુરી કરતો ઈમરાનભાઈ અલ્લારખા શાભઈ (રહે.અબુબકર સોસાયટી, નડિયાદ) દુકાનનું શટર ખોલી તેમાં ચોરી કરવા જતો હતો. તે વખતે શટલ ખુલવાનો અવાજ આવવાથી નજીકમાં રહેતાં ઈમરોજહુસેન ઈકરામહુસેન મલેક તેમજ અન્ય લોકો ઉંઘમાંથી જાગી ગયાં હતાં અને ચોરી કરવા દુકાનનું શટલ ખોલનાર ઈમરાન શાભઈને પકડી પાડ્યો હતો.

જે બાદ તેઓએ આની જાણ દુકાનના માલિક સફીમીયાં મલેકને કરતાં તેઓ દોડી આવ્યાં હતાં. તે વખતે દુકાનનું શટલ દોઢેક ફુટ જેટલું ખુલ્લી હાલતમાં હતું. જોકે, દુકાનનો કોઈ સામાન ચોરાયેલો ન હતો. જોકે, દુકાનમાં મજુરી કરતાં ઈમરાને અગાઉ ચોરી કરી છે કે કેમ તે બાબતની પુછપરછ કરતાં તેણે છેલ્લાં ચાર મહિના દરમિયાન દુકાનમાંથી અનેકવાર પતંગ બનાવવાના કાગળોની રીમો ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

જેથી સફીમીયાં મલેકે પોતાની દુકાનમાંથી ચોરી કરનાર ઈમરન શાભઈને ટાઉન પોલીસમાં સોંપ્યો હતો. જે બાદ સફીમીયાં મલેકે દુકાનમાં રાખેલ પતંગ બનાવવાના કાગળોના રીમ ના સ્ટોકની ગણતરી કરતાં મોરછાપ કંપનીની ૭૦ રીમ તમજ સુરતી કંપનીની ૫૦ રીમ મળી કુલ રૂ.૧,૦૭,૮૦૦ કિંમતની ૧૨૦ રીમ ની ચોરી કરી હોવાનું માલુમ પડ્યુ હતું. આ બનાવ અંગે સફીમીયાં મુસ્તુફામીયાં મલેકની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે ઈમરાનભાઈ અલ્લારખા શાભઈ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top