ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) જોશીમઠમાં (Joshi math) મકાનોમાં તિરાડો વચ્ચે ઉત્તરકાશીમાં (Uttarkashi) ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. ઉત્તરકાશીમાં મોડી રાત્રે આવેલા ભૂકંપની તીવ્રતા 2.9 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 10 કિમી અંદર હતું. જણાવી દઈએ કે ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે તમામ ઘરો અને હોટલોમાં તિરાડો પડી ગઈ છે. જેને લઈને પ્રશાસને અસુરક્ષિત ઝોન જાહેર કર્યા છે.
આવી સ્થિતિમાં સૌથી વધુ અસરગ્રસ્ત મકાનો અને ઇમારતોને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારથી જોશીમઠમાં ઘરોમાં તિરાડો પડી ગઈ છે, ત્યારથી જમીનમાંથી પણ પાણી નીકળી રહ્યું છે. પ્રશાસને ત્યાંના મકાનો ખાલી કરાવ્યા છે અને ત્યાં રહેતા લોકોને અસ્થાયી સ્થળોએ શિફ્ટ કર્યા છે. જણાવી દઈએ કે જોશીમઠથી ઉત્તરકાશીનું અંતર લગભગ 285 કિલોમીટર છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-7 દ્વારા મુસાફરી કરવામાં લગભગ 9 કલાકનો સમય લાગે છે. જોશીમઠ સહિત અનેક શહેરોમાં હવામાન ખરાબ રહ્યું છે.
જોશીમઠમાં છેલ્લા 2-3 દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. લોકો પોતાના ઘર છોડવા મજબૂર છે. વહીવટીતંત્રે અસુરક્ષિત ઘરોની ઓળખ કરી છે અને તે મકાનો અથવા હોટલોને રેડ ક્રોસ દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યા છે. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ પોતે જોશીમઠની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ કેમ અને કેવી રીતે થઈ રહ્યું છે તેની તપાસ કરવા માટે કેન્દ્ર અને રાજ્યોની ટીમો પણ એકઠી થઈ છે.
જોશીમઠ લગભગ 23 હજારની વસ્તી ધરાવતું શહેર છે
જોશીમઠ શહેર ચમોલી જિલ્લામાં આવેલું છે. તે સમુદ્ર સપાટીથી 6,107 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. તેની વસ્તી 23000 છે. તેને બદ્રીનાથના પ્રવેશદ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 678 મકાનોમાં તિરાડો પડી ગઈ છે. એટલું જ નહીં અનેક જગ્યાએ રોડમાં પણ તિરાડ પડી ગઈ છે. જમીનની નીચેથી સતત પાણી લીકેજ થઈ રહ્યું છે.
19 ડિસેમ્બરે ભૂકંપ આવ્યો હતો
આ પહેલા 19 ડિસેમ્બરે ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, મોડી રાત્રે લગભગ 1.50 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનમાં લગભગ 5 કિમી ઊંડે હતું. આમાં કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી.