એક યુવાન ગુરુના આશ્રમમાંથી શિક્ષણ પૂરું કરી લીધા બાદ વિચારી રહ્યો હતો કે હવે જીવનમાં શું કરવું? લગ્ન કરી સંસારજીવનમાં ગૃહસ્થ બનવું કે પછી સંસારનો ત્યાગ કરીને સન્યાસી બની જવું? બે માંથી શું સારું તેનો નિર્ણય તે પોતે કરી ન શકયો. એથી પોતાનો પ્રશ્ન લઈને કબીરજી પાસે ગયો અને કબીરજીને પૂછ્યું, ‘હું શું કરું ગૃહસ્થ બનું કે સન્યાસી? બે માંથી શું બનવું વધારે સારું છે?’
કબીરજી હસ્યા અને બોલ્યા, ‘જે બનવું હોય તે બની શકાય. પરંતુ જે બનો તે ઉચ્ચ કોટિના બનવું જરૂરી છે.’ યુવાને પૂછ્યું, ‘ઉચ્ચ કોટિના ગૃહસ્થ કે સન્યાસી કઈ રીતે બની શકાય?’ કબીરજીએ કહ્યું, ‘તે હું વખત આવ્યે સમજાવીશ.’ યુવાન ઉચ્ચ કોટિના ગૃહસ્થ કે સન્યાસી કઈ રીતે બની શકાય તે સવાલનો જવાબ મેળવવા રોજ કબીરજી પાસે આવવા લાગ્યો. એક દિવસ કબીરજી બપોરે બાર વાગે આંગણામાં ભરપૂર પ્રકાશમાં બેસીને સુતર વણી રહ્યા હતા. તેમણે તેમની પત્નીને બૂમ મારી કહ્યું, ‘જરા દીવો પ્રગટાવીને આપજો, અહીં કામ કરું છું ત્યાં…’ તેમનાં પત્ની ચૂપચાપ દીવો પ્રગટાવીને ઉંબરા પાસે મૂકી ગયા.
થોડા દિવસ કબીરજી ઉપર ટેકરી ઉપર રહેતા વૃધ્ધ સન્યાસી પાસે ગયા. પેલો યુવાન સાથે હતો. કબીરજીએ ટેકરી નીચેથી સન્યાસીને બૂમ પાડી બોલાવ્યા અને નીચે આવવા કહ્યું. સન્યાસી નીચે આવ્યા. કબીરજીએ તેમને કહ્યું, ‘સાધુ મહારાજ! બે પ્રશ્ન પૂછવા છે.’ સાધુ બોલ્યા, ‘પૂછો…’ કબીરજીએ કહ્યું , ‘સાધુ મહારાજ આપની ઉંમર કેટલી છે?’ સાધુએ કહ્યું, ‘80 વર્ષ.’ કબીરજીએ પૂછ્યું, ‘કેટલાં વર્ષથી સન્યાસી છો?’ સાધુ બોલ્યા, ‘૪૫ વર્ષથી.’ કબીરજી બોલ્યા, ‘ભલે સાધુ મહારાજ આ જ પ્રશ્ન હતા.’ સાધુ હસીને ફરી ટેકરી ધીમે ધીમે ચડીને પોતાની ટેકરી પરની ઝૂંપડીમાં ચાલ્યા ગયા. થોડી વાર રહીને કબીરજીએ ફરી બૂમ પાડી, ‘મહારાજ, જરા નીચે આવો ને. એક પ્રશ્ન પૂછતાં ભૂલી ગયો છું.’ સાધુ ધીમે ધીમે નીચે આવ્યા. તેમને શ્વાસ ચડી રહ્યો હતો. કબીરજીએ પૂછ્યું, ‘મહારાજ, 80 વર્ષે તમારા બધા દાંત છે?’ સાથે આવેલા યુવાનને થયું, કબીરજી સાવ આવા સવાલ પૂછવા સાધુ મહારાજને ટેકરીથી ફરીથી નીચે બોલાવ્યા. નકકી સાધુ મહારાજ ગુસ્સે થશે.
સાધુએ શાંતિથી કહ્યું, ‘ના. બધા નથી, અડધા જ છે, અડધા પડી ગયા છે.’ અને પછી હસીને પાછા ટેકરી પર જવા લાગ્યા. ટેકરી ચડવામાં તેમને ખૂબ શ્વાસ ચઢી રહ્યો હતો. તે થાકી ગયા હતા, પણ ગુસ્સે થયા ન હતા. કબીરજીએ યુવાનને કહ્યું, ‘આ બે પ્રસંગ તારા સવાલનો જવાબ છે. ઉચ્ચ કોટિના ગૃહસ્થજીવનમાં ચર્ચા અને વિવાદને સ્થાન નથી. સંપૂર્ણ ભરોસો જોઈએ અને ઉચ્ચ કોટિના સન્યાસી જીવનમાં ક્રોધ અને અભિમાનને સ્થાન નથી. સંપૂર્ણ સમર્પણ અને સરળતા જોઈએ.’ કબીરજીએ યુવાનને સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.