સિંધ: પાકિસ્તાનમાં ધર્મ પરિવર્તનનાં દબાણમાં વધુ એક હિંદુ યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હુમલાખોરોએ એક હિંદુ છોકરીનું અપહરણ કરવાના પ્રયાસમાં નિષ્ફળ ગયા પછી રસ્તાની વચ્ચે ગોળી મારીને હત્યા કરી દીધી. મળતી માહિતી મુજબ 18 વર્ષની પૂજા ઓડે રોહી નામની હિંદુ છોકરીએ સુક્કુરમાં અપહરણકર્તાઓનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ તેને રસ્તાની વચ્ચે ગોળી મારી દેવામાં આવી હતી. જેથી છોકરીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ યુવતી સાથે ધર્મ પરિવર્તન કરવા માટે બળજબરી કરવામાં આવતી હતી. તેનો અપહરણનો પ્રયાસ નિષ્ફળ જતા હત્યા કરવામાં આવી હતી.
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુ યુવતીની હત્યા કરવામાં આવી છે. આ ઘટના બની છે પાકિસ્તાનના સિંધ પ્રાંતનાં સુક્કુર જિલ્લામાં. પૂજા કુમારી ઓડ નામની ૧૮ વર્ષીય હિંદુ યુવતી પર ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હતું. જો કે યુવતીએ તેનો વિરોધ કર્યો હતો. જેથી એક યુવકે તેનાં અપહરણનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતીએ બહાદુરી પૂર્વક તેનો વિરોધ કર્યો હતો. પરંતુ યુવતી પોતાનો જીવ બચાવી શકી નહિ. તેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે હત્યારાની ધરપકડ કરી છે.
આરોપી ધર્મપરિવર્તન બાદ યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો
સુક્કુર જિલ્લાના એસપીએ જણાવ્યું કે પૂજાની હત્યાના મુખ્ય આરોપી વાહિદ બખ્શ લશારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા લશારી પાસેથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યું છે. એસપીએ જણાવ્યું હતુ કે આરોપી વાહિદ બખ્શ ધર્મ પરિવર્તન બાદ પૂજા સાથે લગ્ન કરવા માંગતો હતો જેથી તેનું અપહરણ કર્યું હતું.ઘટનાના દિવસે સુક્કુર જિલ્લાના ઘોટકી શહેરમાં કુમારીનું અપહરણ કરવાના પ્રયાસમાં તેના ઘરમાં ઘૂસી ગયો હતો.
પરિવારજનોએ મૃતદેહને નેશનલ હાઈવે પર મૂકીને વિરોધ કર્યો
પૂજાના પિતાએ કહ્યું- આરોપી છેલ્લા ઘણા મહિનાઓથી મારી દીકરીને પરેશાન કરી રહ્યો હતો. અનેકવાર બળજબરીથી ઘરમાં ઘૂસ્યો હતો. મેં સુક્કુર પોલીસ પાસે પણ સુરક્ષા માંગી હતી પરંતુ પોલીસ તરફથી સુરક્ષા આપવામાં આવી ન હતી. ઘટના બાદ પરિવારજનોએ મૃતદેહને નેશનલ હાઈવે પર મૂકીને વિરોધ પણ કર્યો હતો. જેના કારણે લગભગ 2 કલાક સુધી હાઈવે જામ થઈ ગયો હતો. સિંધમાં હિંદુ યુવતીઓના અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તનના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ તે કેસોમાં એવું કહેવાય છે કે હિંદુ યુવતીઓને પોતાની મરજીથી ઈસ્લામ ધર્મ અપનાવી લીધો હતો. મારી પુત્રીએ લગ્ન અને ધર્મ પરિવર્તનનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી.
બળજબરીથી લગ્ન અને ધર્માંતરણનો સામનો કરવો
એક અહેવાલ મુજબ દર વર્ષે લઘુમતી સમુદાયોની મહિલાઓ, ખાસ કરીને સિંધમાં, ધાર્મિક ઉગ્રવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવે છે અને બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવે છે. પાકિસ્તાનના લઘુમતી સમુદાયો લાંબા સમયથી બળજબરીથી લગ્ન અને ધર્મ પરિવર્તનનો સામનો કરી રહ્યા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ધર્મ પરિવર્તન અને બળજબરીથી લગ્ન કરવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. ફરી એકવાર આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં 18 વર્ષની યુવતીને જાહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી.
6 વર્ષમાં ધર્મ પરિવર્તનની 156 ઘટનાઓ નોંધાઈ
વર્ષ 2019 માં, સિંધ સરકારે હિન્દુ લઘુમતીઓના બળજબરીથી ધર્માંતરણ અને લગ્નને રોકવા માટે એક કાયદો ઘડવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ જોરદાર વિરોધ અને પ્રદર્શનોને કારણે, કાયદો ઘડી શકાયો ન હતો. પરિણામે આજે પણ ધર્મ બદલો કે મરો એવી પીડાદાયક પ્રક્રિયા ચાલુ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2013 થી 2019 સુધીમાં ધર્મ પરિવર્તનની 156 ઘટનાઓ નોંધાઈ છે.
ટ્વિટર પર “#JusticeForPoojaKumari” હેશટેગ ટ્રેન્ડિંગ
પૂજાની હત્યા બાદ સોશિયલ મીડિયા પર પૂજાની ન્યાય માટેની લડાઈ શરુ થઇ ગઈ છે. ટ્વિટર પર “#JusticeForPoojaKumari” હેશટેગ ટ્રેન્ડિંગ થઇ રહ્યું છે. આ હત્યાના વિરોધમાં સોશિયલ મીડિયા યુઝર્સ પણ જોડાયા છે. એક યુઝરે લખ્યું છે કે જ્યાં સુધી અને જ્યાં સુધી સરકાર પૂજા કુમારીના હત્યારાઓ સામે કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી આવતીકાલે બીજી પૂજાની નિર્દયતાથી હત્યા કરવામાં આવશે. હત્યારાઓને તે મુજબ સજા થવી જોઈએ.”