આણંદ : આણંદ શહેરમાં દિવાળીના તહેવારમાં બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરી કરતા રીઢા ગુનેગારને આણંદ સર્વેલન્સ સ્કોડે પકડી પાડ્યો છે. આ તસ્કર પાસેથી પોલીસે રૂ.1.48 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો હતો. જે તેણે આણંદ શહેરના જ મોટા વેપારીના ઘરમાંથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આણંદ શહેરના સરદાર ગંજમાં સોલાર રૂફટોપનો વ્યવસાય કરતાં અને અક્ષરફાર્મ પાછળ નારાયણનગરમાં રહેતા ધર્મેશ ઇશ્વરભાઈ પટેલના ઘરમાં 5મી નવેમ્બર,21ની મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરે રસોડાની જાળીનું લોક તોડી અંદર પ્રવેશ કરી બેડરૂમમાં આવેલી ત્રણ તિજોરીમાંથી રોકડ, દાગીના મળી કુલ રૂ.1.80 લાખની મત્તા ચોરી કરી નાસી ગયો હતો.
આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન સર્વેલન્સ સ્કોડને બાતમી મળી હતી કે આ ચોરીનો મુદ્દામાલ લઇને વિશાલ મનુભાઈ પટેલ (રહે.વાંસખીલીયા) વેચાણ કરવા નિકળ્યો છે. આ બાતમી આધારે મોગરીના જુના રસ્તા પર આવેલા બાપા સીતારામ ચોક ચાર રસ્તા પર પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન વિશાલ પટેલ આવતા તેની અટકાયત કરી હતી અને તપાસ કરતાં તેની પાસેથી રૂ.1.48 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે તેની પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને બેસતા વર્ષના દિવસે શહેરમાં આવેલા અક્ષરફાર્મ રોડ પર આવેલી સોસાયટીમાં ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ કબુલાત આધારે પોલીસે તેની સત્તાવાર ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિશાલ પટેલ રાત્રિના 8થી 12 વાગ્યા દરમિયાન બંધ મકાન, બંગલાને નિશાન બનાવીને ઘરફોડ ચોરી કરવાની ટેવ વાળો છે. જેના માટે તે ગણેશીયું, ડીસમીસ વિગેરે જેવા સાધનનો ઉપયોગ કરી લોક તોડી મકાનમાં પ્રવેશ કરે છે. પોલીસે વિશાલ પટેલ પાસેથી હાલ રૂ.1.53 લાખનો મુદ્દમાલ રિકવર કર્યો છે. આ ઉપરાંત પુછપરછ દરમિયાન તેણે અલગ અલગ છ જેટલી ચોરીની કબુલાત કરી હતી. જેમાં વડોદરા, આણંદ શહેર અને ગ્રામ્યનો સમાવેશ થાય છે.