નડિયાદ : ડાકોરમાં અષાઢી બીજ નિમિત્તે ઠાકોરજીની ભવ્ય રથયાત્રા નિકળી હતી. જેમાં આશરે એક લાખથી વધુ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યાં હતાં. વ્હેલી સવારે જ પુષ્યનક્ષત્રમાં કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું. બાદમાં શ્રીજી સન્મુખ અધિવાશન કરી ઘુમ્મટમાં પરિક્રમાં કરવામાં આવી હતી. આ પરિક્રમા બાદ કુંજમાં શ્રીજીને બિરાજમાન કરી દસ વાગ્યે નગરચર્યા માટે સવારી નિકળી હતી. જોકે, આ વખતે ગજરાજના બદલે રથમાં જ ભગવાન દર્શન આપવા નિકળ્યાં હતાં. ડાકોરમાં નિકળેલી ભવ્ય રથયાત્રા ગૌશાળા, લાલબાગ, દાઉજી મંદિર, ભટ્ટજી મહારાજ હવેલી, નરશી ટેકરી, રાધાકુંડ, મોખા તળાવડી, ગાયોના વાડે, રણછોડપુરા સમાધી સહિત નગરચર્યા કરી મંદિરે પરત ફરી હતી.
જ્યાં ઇન્ડીપીન્ડીની વિધિ કરી ભગવાનની નજર ઉતારવામાં આવી હતી. ડાકોરમાં બે વરસ બાદ રથયાત્રા યોજાનારી હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રા પર્વ દરમિયાન ચાંદી-પિત્તળના રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળતાં શ્રીજીના દર્શનનો લ્હાવો લેવા અને તેમની સાથે યાત્રામાં જોડાવવા માટે શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વર્ષે શ્રીજીની 250મી રથયાત્રા હોવાથી મંદિર મેનેજમેન્ટ દ્વારા પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી.
આ રથયાત્રામાં ભજન મંડળીઓ સહિત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ જાેડાયા હતા. આ રથયાત્રામાં કોઈ અપ્રિય ઘટના ન બને તે હેતુસર ડાકોરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતાે. તદુપરાંત વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ડાકોરમાં લગાવવામાં આવેલાં હાઈ રીઝોલ્યુશન સીસીટીવી કેમેરાથી રથયાત્રા ઉપર પોલીસ નિગરાની રાખી હતી. તેમજ આ રથયાત્રા દરમિયાન સૌપ્રથમ વખત બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કર્યાે હતાે.