સુરત હવે ધીમે ધીમે મુંબઈને પાછળ પાડી દેશે એમ લાગે છે. સુરતીઓ હવે આગમન પાછળ લાખો ખર્ચી રહ્યા છે. અલગ ડીજે. સાઉન્ડની ગાડી, અલગ ઢોલતાસા, આગમનમાં બધાના એક સરખા કપડાં, ફેન્સી છત્રી ઉપરાંત ફટાકડાની ધૂમ તો ખરી જ. જીવનમાં આવતા વિઘ્નો દુર થાય અને સુખની હેલી વરસે એમ બધા ભક્તો ઇચ્છતા હોય છે. સુરતીઓ આ વરસે ગણેશોત્સવ ખુબ ધામધૂમથી ઉજવવાના છે. શ્રીજીના ઠાઠમાઠ મોટામોટા મંડપો, કાન ફાડી નાખે તેવી ડી.જે સિસ્ટમ, ફેન્સી લાઈટિંગ, નાચગાન, સંગીત, ખાણીપીણી, હા બાટલી પણ ખરી. ગણેશોત્સવમાં આશરે ૧ લાખ કરોડનું ટર્ન ઓવર થાય છે. એમાં દર વરસે વધારો થતો જ જાય છે.
ગણેશોત્સવ આપણા અર્થતંત્રને જબ્બર ટોનિક પૂરું પાડે છે. લોકલ માર્કેટ બહુ જોરમાં ચાલે છે. તમે વિચારો કપડાંવાળા મંડપવાળા લાઈટિંગવાળા, ઢોલવાળા, ડી. જે. સાઉન્ડ, મીઠાઈ, કરિયાણા, સુકામેવા-ફ્રૂટ, રસોઈયા મહારાજ, કથા કરવા આવ્યા ગોર મહારાજો, ટેમ્પા- ટ્રક-હાથલારી ડેકોરેશન, પ્રસાદવાળા આ બધાં કઈ કેટકેટલા લાખો લોકોને ગણેશોત્સવ રોજગારી પુરી પાડે છે. ભક્તિ ઓછી અને વેપાર વધુ થાય છે. માત્ર મુર્તિઓ જ ૫૦૦ કરોડની વેચાય છે. સુરત સાથે નાગપુર મુંબઈથી પણ સ્પેશિયલ ટીમ બોલાવાય છે. આખું સુરત હવે શ્રીજીની ભક્તિ ધૂમધામપૂર્વક કરશે. વિધ્નહર્તા બધાના વિઘ્ન હરી લે એજ શ્રીજી આગળ પ્રાથના કરીએ. બોલો ગણપતિ બાપ્પા મોરિયા.
કાલીપુલ, સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મૃત્યુ પછી શું કામનું?
મૃત્યુની વ્યાખ્યામાં શ્રી રજનીશ ઓશો એ ખૂબ સુંદર સમજાવ્યું છે કે ‘હું મરી જઈશ પછી લોકો મારા સગા સંબંધીઓને મળવા આવશે કે જેની મને જાણ પણ નહીં હોય, તો આજે જ કેમ નહીં? મરીશ પછી મારા બધા ગુનાઓ માફ કરશે કે તેની પણ મને જાણ નહીં હોય, તો આજે જ કેમ નહીં? મૃત્યુ પછી મારી કદર કરશે અને સમાજમાં મારી પ્રશંસા કરશે કે તેની પણ મને જાણ નહીં હોય કે જે સાંભળવા જીવનભર તરસતો રહ્યો, તો આજે જ કેમ નહીં? મૃત્યુ પછી તમે કહેશો કે આ વ્યક્તિ સાથે થોડો વધુ સમય પસાર કર્યો હોત તો વધુ સારું, તો આજે જ કેમ નહીં? આવી જાવ ને! અટકાવ્યા છે કોણે? મરુ ત્યાં સુધી રાહ શું કામ જોવી! રાહ જોવામાં ને જોવામાં જ ઘણું મોડું થઈ ગયું હોય છે. માટે મળતા રહો, માફ કરી દો, માફી માંગી લો, નહીં તો મન ઈચ્છાઓમાં જ અટકીને પડ્યું રહેશે, અને જિંદગી જીવીને જતી રહેશે પણ તેની ખબર જ નહીં પડશે.
સુરત – રેખા એમ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.