રાજસ્થાનના ગામમાં મેળો ભરાયો હતો.સરકાર ખેતીવાડી ખાતા તરફથી તેમાં એક પ્રદર્શન ગોઠવાયેલું.ખેતીને પ્રોત્સાહન આપવા અને તેની સમસ્યાઓ દૂર કરવા માટેના ઉપાય દર્શાવતી માહિતીઓ અને ઉત્તમ બિયારણ અને ઉત્તમ ખાતરના ઉપયોગ વિષે જણાવી વેચાણ કરવામાં આવી રહ્યું હતું. એક સ્ટોલમાં ઉત્તમ ઘઉંના સુધારેલા બિયારણનો નમૂનો રાખેલો, તેની પર રામનારાયણ નામના ખેડૂતની નજર પડી. તે જોઇને તે તેની ગુણવત્તા ઓળખી ગયો અને તેને તે લેવાનું મન થયું, પણ ખાતાના અધિકારીએ કહ્યું કે આ ઉત્તમ ઘઉં પર પ્રક્રિયા કરી બનાવવામાં આવેલા નમૂના માત્ર પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. હજી તેનું વેચાણ કરવાની શરૂઆત કરવામાં આવી નથી.અત્યારે હજી તેની પર વૈજ્ઞાનિક પ્રક્રિયા અને શોધ ચાલુ છે એટલે અત્યારે એ વેચવા માટે નથી. હતાશ થઈને રામનારાયણ પાછો ગયો. બીજે દિવસે ફરી એ ત્યાં જઈને ઊભો અને અધિકારીને આ ઘઉંના દાન આપવા માટે વિનંતી કરવા લાગ્યો. અધિકારીએ ના પાડી પણ રામનારાયણે બહુ આજીજી કરી કહ્યું મને માત્ર થોડા દાણા આપો. થોડી રકઝક પછી અધિકારીએ તેને એ ઊંચી જાતના ઘઉંનો નમૂનો આપ્યો – પણ એક જ દાણો!
અધિકારીએ આપેલા ઘઉંના એક અમૂલ્ય દાણાને,મોંઘામૂલા રતનની જેમ જાળવીને રામનારાયણ લઈ ગયો. પોતાના ખેતરની સારામાં સારી જગા પસંદ કરી, ત્યાં ખાતર નાખીને એણે એક દાણો વાવ્યો.તેની આજુબાજુ નાની વાડ કરી દીધી. રોજ તેની વિશેષ કાળજી લેવા માંડયો. થોડા દિવસે અંકુર ફૂટયો, છોડ મોટો થવા લાગ્યો અને આખરે તેની ઉપર ઘઉંની ડૂંડીઓ ઝૂલવા લાગી. પાક લણ્યો ત્યારે, એક દાણો વાવેલો તેમાંથી પોણો રતલ ઘઉં નીકળ્યા! રામનારાયણનું હૈયું હરખે ભરાઈ ગયું. એ ઘઉંની પોટલી સાચવીને પટારામાં મૂકી દીધી.બીજે વરસે એ પોણો રતલ દાણા એણે પાછા વાવ્યા. વખત જતાં એના ખેતરમાં તેના છ-છ ફૂટ ઊંચા છોડ થયા. આસપાસના લોકો તે જોઈને અજાયબ થયા. આ વખતે તેર ગણો પાક ઊતર્યો ને દસ રતલ ઘઉં નીપજ્યા. પછીના વરસે એ દસ રતલ વાવતાં તેમાંથી ઊંચી જાતના ત્રણ મણ ઘઉં પાક્યા –પેલા એક જ દાણામાંથી! આ એક ખેડૂતની મહેનત અને ચીવટનું પરિણામ હતું .આપણા જીવનમાં પણ આપણે એક નાના વિચાર અને એક નાની શરૂઆતથી અનેક સારી અને ઉપયોગી ચીજોનો પાક ઉતારી શકીએ છીએ.જરૂર છે સાચા રસ્તે ધીરજથી સાચી મહેનત કરવાની.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.