સુરત: શહેરમાં કપલ બોક્સ કુટણખાનાં બની ગયાં છે. સોશિયલ મીડિયાના પરિચય બાદ યુવક-યુવતીઓ કપલ બોક્સમાં શારીરિક સહવાસ માણતા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. પોલીસ પણ આ બદી સામે આંખ આડા કાન કરતી હોવાનું ચિત્ર ઉભું થયું છે. સિંગણપોરના કપલ બોક્સમાં મિત્રતા બાદ શારીરિક સંબંધ બાંધવાના કિસ્સામાં ડભોલીની યુવતી ગર્ભવતી બની હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના પગલે હવે યુવતીએ રત્નકલાકાર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી છે.
આ બનાવમાં ડભોલીની યુવતી સાથે કપલ બોક્સમાં જ શારીરિક સંબંધ બાંધતાં તે ગર્ભવતી બનતાં યુવાન સામે બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સિંગણપોર પોલીસ દ્વારા આરોપી સામે તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી રત્નકલાકાર મયૂર પ્રવીણ નાવડિયા (રહે., સુમન પ્રતીક આવાસ, હરિ દર્શનનો ખાડો, સિંગણપોર) સામે બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફેસબુક પર વાતો કર્યા બાદ યુવતીને ફોસલાવી બળાત્કાર કરાયો હોવાની ફરિયાદ યુવતી દ્વારા કરવામાં આવી હતી. ફેસબુક પર પરિચય કેળવી તે યુવતીને કપલ બોક્સમાં લઇ ગયો હતો. ત્યાં યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.
બે વર્ષથી રત્નકલાકાર બ્લેકમેઈલ કરતો હોવાની ફરિયાદ
છેલ્લા 2 વર્ષથી 27 વર્ષીય યુવતીને બ્લેકમેઇલીંગ કરી સિંગણપોર વિસ્તારમાં સિલ્વર સ્ટોનમાં આવેલા એક કપલ બોક્ષમાં લઈ જઈ આરોપીએ 4થી 5 વાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતી અને આરોપી સોશ્યિલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. હાલમાં આરોપી હીરાની મજૂરીકામ કરતો હોવાનું પોલીસે જણાવ્યું છે.
સચિન જીઆઈડીસીમાં મૃત હાલતમાં મળેલી મહિલા ગર્ભવતી હતી
સુરત: સચિન જીઆઈડીસીમાં ગત તા.27 ફેબ્રુઆરીએ મળેલી 40 વર્ષીય મહિલાની લાશ મળવાના કિસ્સામાં આ મહિલા ગર્ભવતી હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં નોંધાયું હતું. પોલીસે તા.27 ફેબ્રુઆરીએ સાંજે ચાર વાગ્યાની આસપાસ આ ગુનો બન્યો હોવાની ફરિયાદ દાખલ કરી છે. તેમાં કોઇ અજાણ્યા ઇસમ દ્વારા હથિયારથી માથાના ભાગે ગંભીર ઇજા કરવામાં આવી હતી. મહિલાની લાશની ઓળખ ન થાય એ માટે તેને ઝાડી-ઝાંખરીમાં ફેંકવામાં આવી હતી. આ ઉપરાંત પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો. પીઆઇ આર.બી.દેસાઇ દ્વારા આ મામલે અજાણ્યા સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આડાસંબંધમાં આ હત્યા થઇ હોવાની શંકા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.