સુરત: સિંગણપોર ખાતે રહેતી અને જીપીએસસીની તૈયારી કરતી યુવતીનો માસી અને મામાના લગ્નમાં એક યુવક સાથે પરીચય થયો હતો. યુવકે બાદમાં ફોન કરીને પ્રેમ કરતો હોવાનું કહીને સંબંધ રાખવા દબાણ કર્યું હતું. યુવતીએ ના પાડી તો મળવા બોલાવી માર માર્યો હતો. યુવતીના પિતાએ તેને પકડી પોલીસના હવાલે કર્યો હતો.
સિંગણપોર ચાર રસ્તા પાસે રહેતી 20 વર્ષીય શોભા (નામ બદલ્યું છે) હાલ જીપીએસસીની તૈયારી કરે છે. પાંચ મહિના પહેલા તેના વતનમાં માસી તથા મામાના લગ્નમાં આર.કે. નામના યુવક સાથે મુલાકાત થઈ હતી. યુવકે તેને હું તારી દૂરની ફોઈનો દિકરો થાઉ છું તેમ કહીને ઓળખાણ કરી હતી. બાદમાં અઠવાડિયા પછી શોભાના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને આર.કે બોલતો હોવાનું કહીને સુરતમાં કોઈ નોકરી મળે તો મને કહેજે તેમ કહ્યું હતું.
બીજા દિવસે ફોન કરીને હુ તને પ્રેમ કરૂ છું તું તારા કોલેજના મિત્ર સાથે રહેવાનું બંધ કરી દે તેમ કહેતા શોભાએ પહેલા તેની સાથે સંબંધ રાખવા હા પાડી હતી. બાદમાં શોભાને પિતાની બીક લાગતા તેને વાત કરવાની ના પાડી હતી. બાદમાં યુવક અવારનવાર ફોન કરી મારી નાખવાની ધમકી આપતો હતો.
તેનો મોબાઈલ નંબર બ્લોક કરી દેતા નવા નંબર પરથી ફોન કરીને મારો નંબર અનબ્લોક કર નહીંતર હું તારા ફોટો સોશિયલ મિડીયામાં વાઈરલ કરી દઈશ તેવી ધમકી આપી હતી. જેથી યુવતીએ તેના પિતાને આ અંગે વાત કરી હતી. 15 જુલાઈએ તેને ફોન કરીને સુભાષ ગાર્ડન પાસે મળવા બોલાવી હતી. ત્યાં મળવા ગઈ ત્યારે શોભાનો ફોન માંગતા તેને આપવાની ના પાડી તો તેનું ગળુ ગબાવવાની કોશીશ કરી શરીરના અલગ અલગ ભાગે માર માર્યો હતો.
ત્યારપછી ગઈકાલે સવારે સરદાર સ્મૃતિ ભવન પટેલ સમાજવી વાડી આંબાતલાવડી પાસે લાઈબ્રેરીમાં વાંચવા મોપેડ પર જતી હતી. ત્યારે રસ્તામાં આ યુવક તેની બાઈક લઈને આવ્યો હતો. અને શોભાને મોપેડ પરથી નીચે ઉતરવા કહ્યું હતું. તેને ના પાડી તો ગાલ પર તમાચો મારી દીધો હતો. એટલીવારમાં શોભાના પિતા ત્યાં આવી તેને પકડતા તેમને ધક્કો મારી ભાગી રહ્યો હતો. રાહદારીઓએ તેને પકડી પાડી બાદમાં પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને તેને પોલીસને સોંપ્યો હતો.