Charchapatra

‘મિત્ર’ની મૈત્રી ક્યારેય ભુલાય એમ નથી

2024ની શરૂઆતમાં મારો એક અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કમનસીબે મારી શારીરિક અને માનસિક અવસ્થા બગડી ગઈ હતી. વાચન, લેખન અને મારા રેડિયોપ્રેમમાં ખાસ્સી એવી એની વિપરીત અસર થઈ હતી. મારી આવી હાલતમાં પત્ની અને દીકરીઓને બહુ ચિંતા થતી હતી. તમે હસતા બોલતા કેમ બંધ થઈ ગયા. આવી રીતે તમે હિંમત હારી જશો તો તમારી પછી અમારું કોણ! એ તો સારું થયું કે મારા સદ્નસીબે આવા સંકટના સમય પર એક દિવસ સવારે ‘ગુજરાતમિત્ર’ અખબાર મારી મદદે આવ્યું. તમે લાંબા સમયથી લખતા કેમ નથી. ફોન પર મારા ખબરઅંતર પૂછયા.

મેં મારી મજબૂરી વ્યક્ત કરી તો સામેથી એક ડોક્ટરને છાજે એવી ભાષામાં વાત કરી અને મને સલાહ આપવામાં આવી કે દરેક ‘જીવનમાં આવી આધિ, વ્યાધિ ઉપાધિ આવતી હોય છે. એનાથી હિંમત હારી જવી નહીં. ફરી લખવાનું ચાલુ કરી દો. જો જો તમારું બધું દુ:ખ ભુલાઈ જશે. આટલી વાતની મારા પર બહુ સારી એવી દવા જેવી અસર થઈ. મેં ફરી કલમ હાથમાં લઈને લખવાનું ચાલુ કરી દીધું. ‘ચર્ચાપત્ર’ વિભાગમાં મારા ચર્ચાપત્ર પ્રકટ થવા લાગ્યાં. મારા જીવનની ગાડી ફરી પાટે ચઢી ગઈ. મારા અસલી સ્વરૂપને જોઈને પરિવારજનો ખુશ થયાં. મારા આ કિસ્સા પરથી એક વાત પુરવાર થાય છે. ‘ગુજરાતમિત્ર’ અખબાર એના પ્રત્યેક ચાહકોની પરિવાર જેવી કાળજી રાખે છે. ‘મિત્ર’ની મૈત્રી ક્યારેય ભુલાય એમ નથી.
સુરત     – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top