આણંદ : આણંદના બોરસદ ચોકડી ખાતે રૂપિયા 60.51 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજ અને આણંદ નગરપાલિકા વિસ્તારમાં રૂપિયા 2.34 કરોડના ખર્ચે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું રાજયના આરોગ્ય અને કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે ઇ- લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલ વર્ચ્યુઅલી જોડાયાં હતાં.
આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આણંદના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મૂક્તિ મળે તે માટે નિર્માણ કરવામાં આવેલા રેલવે બ્રીજનું ઈ-લોકાર્પણ કરી આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું.
આ ઉપરાંત સાંસદ મિતેશભાઇ પટેલ આ ફ્લાયઓવર રેલ્વે બ્રિજના નિર્માણના કારણે આણંદના શહેરીજનોની વર્ષો જુની સમસ્યાનો અંત આવ્યો હોવાનું જણાવી આણંદ જિલ્લામાં આવનારા સમયમાં વિકાસના અનેકવિધ કામો હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતુ કે, શહેરના વિકાસ માટે આગામી સમયમાં તુલસી ટોકીઝ ગરનાળાથી હાઇવે ગેલોપ્સ સુધીના ફોર લાઇન રસ્તાના નિર્માણનું કાર્ય કરવામાં આવશે.આ પ્રસંગે કલેકટર ડી.એસ.ગડવી, આણંદ પ્રાંત અધિકારી વિમલ બારોટ, આણંદ નગરપાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ વિગેરે હાજર રહ્યાં હતાં.
રેલ્વે ફ્લાયઓવર ઉપર આવાગમન સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરાઈ
ગણેશ ચોકડી તરફથી કરમસદ તરફ જવા માંગતા લોકો બ્રિજ નીચેના સર્વિસ રોડ મારફતે સીધા કરમસદ જઈ શકશે, તેમજ ગણેશ ચોકડી તરફથી બોરસદ તરફ જવા માટે સર્વિસ રોડથી ડાબી બાજુ વળીને બોરસદ તરફ જઈ શકશે. આ ઉપરાંત ગણેશ ચોકડીથી આણંદ શહેર (લોટીયા ભાગોળ) તરફ જવા માટે રેલ્વે ફાટક કાયમી ધોરણે બંધ હોવાથી સર્વિસ રોડ મારફતે બોરસદ બાજુ વળીને જમણી બાજુ યુ ટર્ન લઈ બ્રિજ પર થઈને આણંદ શહેર (લોટીયા ભાગોળ) તરફ જઈ શકાશે અથવા તો સર્વિસ રોડ મારફતે સીધા જઈને યુ ટર્ન લઈને બ્રિજના કરમસદ બાજુના છેડેથી બ્રિજ ઉપર ચડીને આણંદ શહેર તરફ જઈ શકાશે.
કરમસદ તરફથી ગણેશ ચોકડી તરફ જવા માંગતા લોકો બ્રિજની નીચેના સર્વિસ રોડ મારફતે સીધા ગણેશ ચોકડી જઈ શકશે, તેમજ આણંદ શહેર (લોટીયા ભાગોળ) તરફ જવા માટે બ્રિજ ચડીને જઈ શકશે. આ ઉપરાંત કરમસદ તરફથી બોરસદ તરફ જવા માંગતા લોકો બ્રિજ નીચેના સર્વિસ રોડ મારફતે જમણી બાજુ વળીને બોરસદ તરફ જઈ શકશે. આણંદ શહેર (લોટીયા ભાગોળ)થી બોરસદ તરફ જવા માંગતા લોકો બ્રિજ ચડીને સીધા બોરસદ બાજુ જઇ શકશે, તેમજ ગણેશ ચોકડી તરફ જવા માટે બ્રિજ ચડીને ડાબી તરફ વળી બ્રિજ ઉતરીને જઈ શકશે. આ ઉપરાંત આણંદ શહેર (લોટીયા ભાગોળ)થી કરમસદ તરફ જવા માટે બ્રિજ ચડીને સીધા બોરસદ તરફના છેડે ઉતરીને જમણી બાજુ યુ ટર્ન લઈને સર્વિસ રોડ મારફતે જઈ શકશે અથવા બ્રિજ ચડીને ડાબી તરફ વળીને બ્રિજના ગણેશ ચોકડી બાજુના છેડે ઉતરીને જમણી બાજુ યુ ટર્ન લઈ બ્રિજ નીચેના સર્વિસ રોડ મારફતે કરમસદ તરફ જઈ શકશે.
બોરસદ તરફથી આણંદ શહેર (લોટીયા ભાગોળ) તરફ જવા માંગતા લોકો બ્રિજ ચડીને સીધા આણંદ શહેર (લોટીયા ભાગોળ) તરફ જઈ શકશે, તેમજ ગણેશ ચોકડી તરફ જવા માટે સર્વિસ રોડ મારફતે પુલની નીચેથી જઈને જમણી બાજુ વળીને જઈ શકશે. આ ઉપરાંત બોરસદ તરફથી કરમસદ તરફ જવા માંગતા લોકો સર્વિસ રોડ મારફતે પુલની નીચેથી જઈને ડાબી તરફ વળીને કરમસદ તરફ જઈ શકશે.