કબ્રસ્તાનમાં એક કબર પાસે એક છ વર્ષનો નાનો છોકરો મોટા મોટા આંસુ સારીને રડતો હતો અને કંઈ ન સમજાય તેવું બોલતો જતો હતો.તે શું બોલતો હતો તે તેના ડૂસકામાં સમજાતું અને સંભળાતું ન હતું.થોડે દૂર એક તાજી કબર હતી અને તેની પાસે એક સુટ પહેરેલો શ્રીમંત યુવાન આંખોમાં આંસુ સાથે ઊભો હતો.
એ તેની પ્રિયતમાની કબર હતી.થોડી વાર આંસુ સાર્યા બાદ કૈંક વિચારીને તેણે શહેરના સૌથી મોંઘા ફૂલવાલાને ફોન કર્યો અને પ્રિયતમાનાં ગમતાં મોંઘાં ફૂલોની ચાદર બનાવીને તરત અહીં પહોંચાડવાનો ઓર્ડર કર્યો.
ફોનમાં હજારોની કિંમતની ચાદરનો ઓર્ડર આપ્યા બાદ તે ચાદર આવવાની રાહ જોતો કબર પાસે બેસી ગયો. તેનું ધ્યાન થોડે દૂરની કબર પાસે રડતા છોકરા પર ગયું. છોકરાને આટલો બધો રડતો જોઇને તે યુવાન ઊભો થઈને તેની પાસે ગયો.
તે કબર છોકરાના પપ્પાની હતી. તે રડતાં રડતાં બોલી રહ્યો હતો, ‘ઊઠો ને પપ્પા, કેટલા વખતથી સૂતા છો.મમ્મી તો મને જન્મ આપીને જ અલ્લા પાસે જતી રહી છે.પણ તમે તો ઊઠો.ટીચરે કહ્યું છે કે કાલે સ્કુલની ફી સાથે લઈને આવજે, નહિ તો તારા પપ્પાને સાથે લઈને આવજે.
જો ફી નહિ ભરે તો શાળામાંથી તને કાઢી મૂકવામાં આવશે.પપ્પા, તમે જ કહેતા હતા ને કે બહુ ભણજે અને ભણીને મોટો ઓફિસર બનજે;પણ પપ્પા તમે ઊઠીને મારી ફી નહિ ભરો તો હું કેવી રીતે આગળ ભણીશ. મને કાલે સ્કૂલમાંથી કાઢી મૂકશે…પપ્પા,ઊઠો ને …..’ છોકરો રડતો જતો હતો અને તેના કબરમાં સૂતેલા પપ્પાને ઉઠાડવાની કોશિષ કરતો હતો.
પેલા શ્રીમંત યુવાને છોકરાનાં ડૂસકાંઓની વચ્ચે બોલતાં આ બધાં વાક્યો સાંભળ્યાં અને તેની પાસે જઈને તેને શાંત કરવાની કોશિષ કરી.પછી યુવાને પોતાનો ફોન કાઢ્યો અને ફૂલની ચાદરવાળાને ફોન કરી કહ્યું, ‘ભાઈ મેં હમણાં જે ચાદરનો ઓર્ડર આપ્યો છે તે ઓર્ડર કેન્સલ કરજો કારણ કે અહીં મને જે ફૂલ જોઈતાં હતાં તે મળી ગયાં છે.’ પછી યુવાને છોકરાને કહ્યું, ‘દીકરા, રડ નહિ… હું તારા પપ્પાનો મિત્ર છું અને મને તેમણે જ મોકલ્યો છે. મારી સાથે ચાલ. કાલે તારી સ્કૂલમાં જઈને તારી ફી ભરી દઈશું.તું ચિંતા નહિ કર. તારું નામ શાળામાંથી કોઈ નહિ કાઢે.’
છોકરો આંસુ લૂછતો પપ્પાની કબરને ચૂમી નમન કરી યુવાન સાથે ચાલવા લાગ્યો.યુવાન છોકરાને લઈને આગળ વધ્યો. બે ઘડી પોતાની પ્રિયતમાની તાજી કબર પાસે રોકાયો અને જાણે પ્રિયતમા હસતી હોય તેવો તેને આભાસ થયો અને ફૂલોની ચાદર ચઢી ગઈ.
લાસ્ટ ધ બોલ
વેલેન્ટાઈન-ડે ના દિવસે ગર્લફ્રેન્ડ નહિ હોય તો મૂંઝાવું નહિ. કેમ કે ગાંધીજયંતીના દિવસે ‘ગાંધીજી’ પણ હોતા નથી!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.