વડોદરા : વડોદરા શહેર નજીક આવેલા સમયાલા ગામ ખાતેની તરાલી ઈન્ડસ્ટ્રીયલ કંપનીમાં અજગર દેખા દેતા ફરજ પર હાજર કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.બનાવની જાણ થતાં જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના સ્થાનિક વોલીએન્ટરોએ સ્થળ પર પહોંચી અડધો કલાકની જહેમત બાદ 5 ફૂટના અજગરને રેસ્ક્યુ કરી સહીસલામત વનવિભાગને સોંપવામાં આવ્યો હતો. વડોદરા શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.તેની સાથે સાથે રહેણાંક વિસ્તારોમાં વન્યપ્રાણીઓ આવી ગયા હોવાની ઘટનાઓ પણ સપાટી પર આવવા પામી છે.
ત્યારે શહેર નજીક સમયાલા ગામ પાસે આવેલી તરાલી ઈન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી 5 ફૂટના અજગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.આ અંગે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે જણાવ્યું હતું કે રાત્રીના દસ વાગ્યાની આસપાસ વડોદરા પાસે આવેલાં સમયાલા ગામ તરાલી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી કર્મચારીનો અમારી સંસ્થાના હેલ્પલાઈન નંબર ઉપર ફોન આવ્યો હતો કે એક સાપ અમારી કંપનીમાં આવી ગયેલ છે.જેથી અમારી સંસ્થાના કાર્યકર વિરલ પરમાર, વિપુલ ચૌહાણ, વિશાલ ચૌહાણ અને વડોદરા વન વિભાગના રેસ્ક્યુઅર નિતીન ભાઈ પટેલને સાથે રાખી તરાલી ઈન્ડસ્ટ્રીયલ કંપની સમયાલા ખાતે પહોંચ્યા હતાં.જ્યાં સાપની જગ્યાએ એક પાંચ ફૂટનો અજગર જોવા મળ્યો હતો.આ અજગરને અડધો કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગ ને સોપવામાં આવ્યો હતો.