સુરત(Surat): શહેરના નેતાઓ પર પનોતી બેઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. વીતેલા 15 દિવસમાં અલગ અલગ નેતાના ઘર, ઓફિસ પર આગ (Fire) લાગવાની બે ઘટના બની છે. આવી વધુ એક ઘટના આજે સવારે બની છે. ડીંડોલીના મધુરમ સર્કલ પાસે રહેતા પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંગ રાજપૂતના (AmitSinghRajput) ઘરે સવારે આગ લાગી હતી. આ આગમાં ઘરમાં બનાવેલું લાકડાનું મંદિર બળી ગયું છે. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 5.40 કલાકે ફાયર કંટ્રોલ પર આગનો કોલ આવ્યો હતો. ડીંડોલી ખાતે મધુરમ સર્કલ પાસે આવેલી સેફ્રોન બંગ્લોઝ સોસાયટીમાં રહેતા પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપના કોર્પોરેટર અમિતસિંગ રાજપુતના ઘરમાં આગ લાગી હતી.
કોલ મળતા જ માનદરવાજા, ડુંભાલ અને ઉધના ફાયર સ્ટેશનથી ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો બંગલાના પહેલા માળે પૂજા માટે અલાયદો રૂમ બનાવવામાં આવ્યો હતો, જ્યાં મંદિરની નજીક ઈલેક્ટ્રિક બોર્ડ હતું. સંભવતઃ શોર્ટ સર્કિટ થવાને પગલે મંદિરમાં આગ લાગી ગઈ હતી. લાકડાનું મંદિર ભડભડ બળી ગયું હતું.
આગનો ધુમાડો પ્રસરતા પરિવારના સભ્યો જાગી ગયા હતા અને સમયસૂચકતા વાપરી ઘરની બહાર દોડી ગયા હતા. ધુમાડાને કારણે તેમનો પાલતુ શ્વાન બેભાન થઇ ગયો હતો. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફાયર વિભાગે અડધો કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.
23 માર્ચે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયાના કાર્યાલયમાં આગ હતી
ગઈ તા. 23 માર્ચની સવારે સુરતના કતારગામ વિસ્તારના ભાજપના ધારાસભ્ય વિનુ મોરડીયાની (MLA Vinu Mordia) સિંગણપોર ખાતે આવેલા કાર્યાલયમાં આગ (Fire) ફાટી નીકળી હતી. ધૂમાડા સાથે આગની જવાળાઓ બહાર નીકળવા લાગતા લોકોની નજર પડી હતી. તેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકટોળું સ્થળ પર ભેગું થઈ ગયું હતું. કોઈક હિતેચ્છુએ વિનુ મોરડીયા અને ફાયર બ્રિગેડને આગની ઘટના અંગે જાણ કરી હતી, તેથી તાત્કાલિક ડભોલી ફાયર બ્રિગેડનો કાફલો ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ ઓલવાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આપના કોર્પોરેટર જિતુ કાછડીયાનું ઘર આગમાં હોમાયું, નાનો પુત્ર મૃત્યુ પામ્યો
ગઈ તા. 8 માર્ચના રોજ સુરત શહેર આમ આદમી પાર્ટીના (AAP) કોર્પોરેટર જિતેન્દ્ર કાછડીયાના મોટા વરાછા વિસ્તાર આનંદધારા સોસાયટી ખાતે આવેલા બંગલામાં મોડી રાત્રે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કોર્પોરેટરના 17 વર્ષના નાના પુત્ર પ્રિન્સનું મોત નિપજ્યું હતું. પરિવારના અન્ય 6 સભ્યોએ બાજુના ઘરમાં કૂદકો મારી પોતાનો જીવ બચાવી લીધો હતો.